વડોદરા, તા. ૧૪

વારંવાર વિવાદોમાં સપડાતી વરણામા પોલીસે ગઈ કાલે વડોદરાના ચાર નિર્દોષ યુવકોને નશો કર્યો છે તેવા આક્ષેપ સાથે પોલીસ મથકમાં લઈ ગયા બાદ ચારેય યુવકોને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ યુવકો પાસેથી ૩ હજાર રૂપિયા ખંખેરી લઈ તેઓને વિડીઓમાં બોગસ કબૂલાત કરાવીને રવાના કર્યા હતા. વિના કારણે માર મારી તોડ કરવાના બનાવની ઉક્ત યુવકોએ જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી હતી.

શહેરના જાંબુઆ પાસે જીઈબીની બાજુમાં રહેતો રાહુલ રાજેશ શર્મા ગઈ કાલે તેના ત્રણ મિત્રો અમિત અચ્છેલાલ શર્મા (ઠાકોરપાર્ક,મકરપુરા), મનોજ જયપ્રકાશ શાહ (જયભોલેનગર, મકરપુરા) અને જયદીપ મુખલાલ રાય (જીઈબી પાસે, જાંબુઆ) સાથે સોશ્યલ મિડિયા પર પોતાના વિડીઓ અપલોડ કરવા માટે વરણામા પોલીસ મથકની હદમાં શાહપુરા ખાતે નર્મદા કેનાલ પાસે ગયા હતા. ચારેય મિત્રો વિડીઓ બનાવીને વાતો કરતા હતા તે સમયે વરણામા પોલીસના ડીસ્ટાફના જવાનો ત્યાં આવ્યા હતા. તેઓએ કેનાલ પાસે દારૂની મહેફિલ માણતા ત્રણ યુવકોને ઝડપી પાડ્યા બાદ નજીક બેઠેલા રાહુલ શર્મા સહિત ચારેય યુવકોને તમે પણ દારૂ પીધો છે તેમ કહીને પોલીસ મથકે લઈ જવાની તજવીજ કરી હતી.

આ ચારેય યુવકોએ અમે કોઈએ દારૂ નથી પીધો, અમે તો ઈન્સ્ટાગ્રામ માટે અમારા વિડીઓ બનાવવા આવ્યા છે તેમ જણાવ્યું હતું. જાેકે પોલીસ જવાનોએ તેઓને પોલીસ મથકમાં લઈ જવાનું કહેતા એક યુવકે તેના પરિચિત મિડીયામાં છે તેમની સાથે વાત કરવા કહ્યું હતું જેમાં પોલીસ જવાનોએ મિડીયા અમારુ શું બગાડી લેશે તેમ કહી અપશબ્દો કહ્યા હતા અને ચારેયને વરણામા પોલીસ મથકમાં લઈ ગઈ હતી. પોલીસ મથકમાં લાવીને ડીસ્ટાફના જવાનોએ ચારેય નિર્દોષ યુવકોને માત્ર રકઝક કરવાના મુદ્દે ઢોર માર માર્યો હતો.

ઉક્ત વિગતો જણાવતા રાહુલ શર્માએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેઓને વરણામા પોલીસ મથકના ડીસ્ટાફના જયદીપસિંહ પઢિયાર, ગોવિંદભાઈ અને જીગરભાઈએ દંડા વડે માર માર્યા બાદ તેઓની પાસેથી ૩ હજારનો તોડ કર્યો હતો જે નાણાં રાહુલે તેના મિત્ર મારફત મંગાવ્યા હતા. વરણામા પોલીસની આ કાર્યવાહીની આજે રાહુલ શર્માએ જિલ્લા પોલીસ વડા સુધિર દેસાઈને પણ રજુઆત કરી હોવાનું માધ્યમોને જણાવ્યું હતું. પોતાના પોલીસ મથકની હદમાં વારંવાર અન્ય એજન્સીઓ દરોડા પાડીને નાક કાપતી હોવા છતાં વરણામા પોલીસ નિષ્ક્રિય રહી છે. વરણામા પોલીસ વારંવાર વિવાદમાં સપડાય છે. આ વિવાદો વચ્ચે વરણામા પોલીસે નિર્દોષ યુવકોને માર મારીને તોડ કર્યાનો આક્ષેપ થતાં

પોલીસે માર્યા નથી તેવી કબૂલાત કરાવતો બોગસ વિડીઓ બનાવ્યાનું મીડીયાને જણાવ્યું

ચારેય યુવકોને ઢોર માર માર્યા બાદ આ યુવકો માધ્યમો અને પોલીસ અધિકારીઓને ફરિયાદ કરશે તેવી બીકના કારણે વરણામા પોલીસના ડીસ્ટાફના જવાનોએ ચારેય યુવકોને ધમકી આપી હતી કે તમે બહાર જઈને કોઈ કાર્યવાહી કરશો તો અમે તમને બીજા કોઈ ગુનામાં સંડોવી દઈશું માટે અમે મોબાઈલમાં તમારો વીડીઓ રેકોર્ડ કરીયે છે જેમાં ‘વરણામા પોલીસે અમને માર્યા નથી ’ તેવી તમારે કબૂુલાત કરવાની છે. આ ધમકીના પગલે યુવકોએ પોલીસે કહ્યા મુજબનું ખોટુ નિવેદન આપ્યું હતું પરંતું બહાર આવતા જ તેઓએ માધ્યમોને સાચી વિગતો જણાવી હતી.

જયદિપસિંહને એટેચમાં મુક્યો છતાં સ્થિતિ યથાવત

આ બનાવમાં જયદીપસિંહ પઢિયાર પર યુવકોએ ગંભીર આક્ષેપ કરતા જયદીપસિંહ વિવાદમાં સપડાયા છે. મળતી વિગતો મુજબ જયદિપસિંહ મુળ વાઘોડિયા પોલીસ મથકના વહીવટદાર છે અને તે હાલમાં વરણામા પોલીસ મથકમાં એટેચમાં મુક્યા છે. જાેકે તેમને કયા કારણોસર વરણામા ખાતે એટેચમાં મુક્યા તે પણ પ્રશ્નાર્થ છે અને તે વરણામા ખાતે હોવા છતાં વરણામામાં દારૂના અડ્ડા યથાવત હોઈ અન્ય એજન્સીઓને દરોડા પાડવાની ફરજ પડી રહી છે.