બાયડ :  બાયડ તાલુકાના ચાંપલાવત ગામની દૂધ મંડળીના સભાસદોને ચેરમેન અને સેક્રેટરી દ્વારા સમયસર દૂધના નાણાંની ચૂકવણી કરવામાં આવતી નથી. આવું છેલ્લા ઘણા મહિનાઓથી ચાલતું હોવાના દૂધ ઉત્પાદકોના આક્ષેપ સાથે હોદ્દેદારોના મનસ્વીપણા સામે ગામલોકો અને સભાસદ મહિલાઓએ બુધવારના રોજ દૂધ મંડળીને તાળાબંધી કરી દીધી હતી. દૂધ ઉત્પાદક સભાસદોની જાણ બહાર તેઓને વિશ્વાસમાં લીધા વિના તાળાબંધી ખોલી દેવાતાં ગામની બસો મહિલા અને પુરુષોના ટોળાએ સાઠંબા પોલીસ મથકે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરમ્યાનગીરી કરતા મામલો આખરે થાળે પાડયો હતો. પરંતુ આ વિવાદની મુખ્ય જડ સાબરડેરીના એમ. પી. ઓ. ની બેદરકારી કે મિલિભગત હોવાની જાણ ચાંપલાવત ગામના પશુપાલકોને થતાં ગુરૂવારના રોજ સાબરડેરીના બાયડ શીતકેન્દ્ર ખાતે ચાંપલાવત ગામના દૂધ ઉત્પાદકોએ મોટી સંખ્યામાં પહોંચી જઈ એમ. પી. ઓ. ની બેદરકારી અને મિલીભગત સામે સુત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યું હતું. આમ બીજા દિવસે પણ ચાંપલાવત દૂદ મંડળીનો વિવાદ વધુ વકર્યો છે.