અમદાવાદ, ડૉ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ અને પરિનિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ડો. બાબાસાહેબની સરકારી કચેરીઓમાં છબી મુકવા બાબતે વિવાદનો મધપૂડો છેડાયો છે. આ અંગે દલિત કર્મશીલ કિરીટ રાઠોડે જણાવ્યું છે કે, ડો. બાબાસાહેબ આંબેડકરની છબી દરેક સરકારી કચેરીમાં મુકવા અમોએ રાજ્યપાલને રજૂઆત કરી હતી. તેના પર કોઈ કાર્યવાહી કરવાને બદલે સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જવાબમાં ઠરાવ મોકલી આપ્યો છે. જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આગામી દિવસોમાં આ બાબતે ડો. બાબાસાહેબનું અપમાન સાંખી નહીં લેવાય, જાે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતમાં દરેક જિલ્લમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.તાજેતરમાં નવસર્જન ટ્રસ્ટ, દલિત અધિકાર મંચ, મિશન સુરક્ષા પરિષદ સહિત અનેક સંગઠનો દ્વારા સરકારી કચેરીઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી મુકવા અંગે મુહિમ ચલાવી હતી. જેને લઈને અમદાવાદ કલકેટર દ્વારા તા. ૧૭/૦૨/૨૦૨૦ના રોજ જિલ્લાના તમામ ખાતાના વડાઓને પત્ર લખી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં, જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અને પંચાયતોમાં ડો.બાબા સાહેબ આંબેડકરની છબી મૂકવાનું અભિયાન પુર જાેશમાં ચાલ્યું હતુ 

વધુમાં કિરીટ રાઠોડે જણાવ્યું છે કે, આજ રીતે ગુજરાતમાં કામ થાય તે હેતુથી અમોએ ૬/૦૩/૨૦૨૦ના રોજ રાજ્યપાલને લેખિતમાં રજુઆત કરીને સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓમાં ડૉ બાબા સાહેબ આંબેડકરની છબી મૂકવા રજુઆત કરી હતી. જેથી રાજ્યપાલના ઉપ સચિવ દ્વારા તા. ૨૬/૦૫/૨૦૨૦ના રોજ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના અગ્ર સચિવને પત્ર લખીને કાર્યવાહી કરવા કહ્યું હતું. સામાજિક કાર્યકર કિરીટ રાઠોડે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગનો હવાલો મુખ્યમંત્રી પોતે સાંભળે છે તેમ છતાં દેશના સંવિધાન નિર્માતા ડૉ બાબા સાહેબ આંબેડકરને સરકારી કચેરીમાં કેમ ૬૫માં પરિ નિર્માણ દીને પણ કેમ સ્થાન ન અપાવી શક્યા? આ જ ગુજરાતમાં સયાજીરાવ ગાયકવાડે ડૉ. બાબા સાહેબ આંબેડકરને ઉચ્ચ અભ્યાસ માટે સહાય કરીને પ્રોત્સાહન આપ્યું. અમે બીજી બાજુ આજ ગુજરાતમાં સરકારે તેમનુ બહુમાન વધારવાને બદલે સરકારી કચેરીમાં તેમની છબીને સ્થાન ન આપી હળહળતું અપમાન કર્યું તેનાથી દલિત સમાજમાં ભારે આક્રોશ જાેવા મળે છે.