વડોદરા, તા.૧૯ 

જીવલેણ કોરોના સંક્રમણમાં આવેલા દર્દીઓના મૃત્યુ અને પોઝિટિવ કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે તેવા સમયે આજે વધુ રેલવેના નિવૃત્ત કર્મચારી તથા કંપનીના કર્મચારીઓ સહિત ૯ દર્દીઓએ સારવાર વેળા હોસ્પિટલના બિછાને અંતિમશ્વાસ લીધા હતા. જ્યારે ૭૯ નવા વધુ કોરોના પોઝિટિવ કેસનો ઉમેરો થયો હતો તેની સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૩૬૦૪ પર પહોંચી હતી. બીજી તરફ ૧૬૦ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતાં કુલ સંખ્યા ૨૮૮૯ પર પહોંચી હતી. ડેથ ઓડિટ કમિટ તરફથી આજે મોતને ભેટનાર દર્દીઓને કોરોનામાં મૃત્યુ થયાને સમર્થન ન આપતાં કોરોનામાં દર્દીઓનો મૃત્યુઆંક ૬૦ ઉપર સ્થિર રહ્યો છે. ગત સાંજથી આજે સાંજ સુધીમાં શહેરના વીઆઈપી રોડ, પ્રતાપગંજ, ન્યુ સમા રોડ, વારસિયા, આરટીઓ, સોમા તળાવ, ચાણકયપુરી, છાણી જકાતનાકા, રાવપુરા, માણેજા, મકરપુરા, સુભાનપુરા, લક્ષ્મીપુરા રોડ, ખત્રી પોળ, સિટી, ગ્રામ્યના ડભોઈ, કરજણ, પાદરા, બાજવા, કરોડિયા, સયાજીપુરા વગેરે વિસ્તારોમાંથી શંકાસ્પદ કોરોનાના પ૪૪ સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં ૭૯ પોઝિટિવ અને ૪૬૫ નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા.

મોતને ભેટેલા દર્દીઓ પૈકી ગોરવા પંચવટી સામે આવેલ રાજદીપ સોસાયટીમાં રહેતા અને જંબુસર રોડ સ્થિત જીપીએલ કંપનીમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા પ૮ વર્ષીય કર્મચારી શ્વાસની તકલીફને લીધે કોરોના સંક્રમિત થતાં તેમને સારવાર માટે ગોરવા રોડ પર આવેલ ખાનગી આચાર્ય હોસ્પિટલમાં દાખલ કરાતાં જ્યાં કોરોનાના લક્ષણો જણાતાં તેમને ગોત્રી હોસ્પિટલમાં રિફર કરાતાં જ્યાં સારવાર વેળા મોત નીપજ્યું હતું. વારસિયા ધોબી તળાવ પાસે રહેતા મુંબઈ રેલવે વર્કશોપમાંથી નિવૃત્ત થયેલા ૮૭ વર્ષીયને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે પ્રતાપનગર રેલવે હોસ્પિટલમાં દાખલ કરાતાં તેમનો રિપોર્ટ આવે એ પહેલાં જ મોત થયું હતું. ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલની સામે આવેલ કનૈયાનગરમાં રહેતા પર વર્ષીય મહિલાને શ્વાસ લેવાની તકલીફ થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં જ્યાંથી ગોત્રી હોસ્પિટલમાં રિફર કરાતાં જ્યાં પોઝિટિવ રિપોર્ટ આવતાં સારવાર વેળા મોત નીપજ્યું હતું. અકોટા રોડ સ્થિત આલામ બિલ્ડિંગ પરસોતમનગરમાં રહેતા ૯૦ વર્ષીય કલકતાના વેપારી તેમના પરિવાર સાથે નિવૃત્તમય જીવન પસાર કરતાં હતાં, તેઓ હાર્ટની તકલીફ ધરાવતા હોવાથી તેમને ન્યુમોનિયાની અસર થતાં સારવાર માટે ભાઈલાલ અમીન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમનું મોત નીપજ્યંુ હતું. ગોત્રી કેવલ સદનમાં રહેતા અને ડભાસા રોડ પર આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારી (ઉં.વ.૩૩)ને તાવ, શરદી, ખાંસી, કોરોનાના લક્ષણો સાથે દાંડિયા બજાર સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં તેમનંુ સારવાર વેળા મોત નીપજ્યંુ હતું. છાણી ગામના ગાંધી ફળિયામાં રહેતા ૬૭ વર્ષીય મહિલાને ઓક્સિજન ઓછો મળવાથી તેની સારવાર માટે વાઘોડિયા રોડ પર આવેલ પારુલ સેવાશ્રમમાં દાખલ કરાતાં તેમનું સારવાર વેળા મોત થયું હતું. ઉમરેઠના વડાબજારમાં રહેતા પપ વર્ષીય વ્યક્તિને શ્વાસની તકલીફ થતાં ન્યુમોનિયાની સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાતાં સારવાર વેળા મોત નીપજ્યું હતું. બાપોદ વિસ્તારના રંગવાટિકા પાસે એકતાનગરમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થતાં તેમને કોવિડ-૧૯ની હોસ્પિટલમાં દાખલ કરાતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ તમામ મૃતકોની અંતિમવિધિ કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે કોરોનાની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી.

પાદરા-જંબુસર રોડની ખાનગી કંપનીના ૧૨ કર્મીઓ કોરોનાગ્રસ્ત : ૪ મોત

 પાદરા-જંબુસર રોડ પર આવેલ ગવાસદ ગામ નજીક આવેલ નામાંકિત ગ્લાસ કંપનીના ૧૨ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા બાદ કોવિડ-૧૯ની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાતાં જેમાં ચાર કર્મચારીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં, બે કર્મચારીઓના સરકારી ગોત્રી હોસ્પિટલમાં, બે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

કોરોના સંક્રમણમાં શહેર ભાજપના ઉપપ્રમુખ મહેશ શર્માનું મોત

ભાજપાના સંનિષ્ઠ સેવક તથા શહેર ભાજપાના ઉપપ્રમુખ મહેશ શર્મા કોરોના સંક્રમિત થતાં તેમને સારવાર માટે શહેરની કોવિડ-૧૯ની હોસ્પિટલમાં દાખલ કરાતાં સારવાર વેળા તેમનું મોત નીપજ્યું હતું. કોરોના સંક્રમણમાં ભાજપે યોગેન્દ્ર સુખડિયા બાદ બીજા કાર્યકર્તા ગુમાવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહેશ શર્મા કેન્દ્રિયમંત્રીના નજીકના વ્યક્તિ ગણાતા હોવાનું જાણવા મળ્યું છે.