કોરોના નેગેટિવ આવતા મહિલાએ મિત્રો સાથે દારૂની મહેફિલ યોજી, બે મહિલાની ધરપકડ
22, મે 2021

અમદાવાદ-

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુના મેપલ કાઉન્ટી-1 ના એક ફ્લેટમાંથી સોલા પોલીસે દારૂની મહેફિલ માણતી ચાર મહિલાઓ અને એક પુરુષની ધરપકડ કરી હતી. સોલા પોલીસની તપાસમાં બે મહિલા આરોપીઓએ પોતાના નામ અને સરનામાં ખોટા લખાવ્યા હતા. જે મામલે સોલા પોલીસે બંને મહિલા આરોપીઓ સામે IPC 177 મુજબ એનસી રજીસ્ટર કરી છે. સોલા પોલીસે કાનમાં દારૂની મહેફિલની મેસેજને આધારે દરોડો પાડતા ઘરમાં ચાર મહિલા અને એક પુરુષ દારૂ પીધેલા મળી આવ્યા હતા. એક મહિલાએ દારૂ પીધો ન હતો. મહિલા પોતે કોરોના નેગેટિવ આવતાં તેણે મિત્રોને બોલાવી દારૂની પાર્ટી યોજી હતી.

થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુ મેપલ કાઉન્ટી- 1માં દારૂની મહેફિલ ચાલતી હોવાની સોલા પોલીસ સ્ટેશનને કંટ્રોલરૂમમાંથી મેસેજને આધારે પોલીસે ગ્રીન એવન્યુના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં બેડરૂમમાં કેતન પાટડીયા, અનુરાધા ગોયલ, પ્રિયંકા શાહ અને પાયલ લિબાચિયા દારૂ પીધેલા મળી આવ્યા હતા. ટીપોઈ પર દારૂના ગ્લાસ અને બોટલ મળી આવી હતી.

પોલીસે કેસની તપાસ કરતા આરોપી અનુરાધા ગોયલ અને પ્રિયંકા શાહ ID પ્રુફ માંગતા બંનેએ પોલીસમાં ખોટું નામ લખાવ્યું હતું. અનુરાધા ગોયલનું સાચું નામ અનુજા દિવ્ય અગ્રવાલ અને પ્રિયંકા શાહનું પંક્તિ ઉર્ફે પ્રિયંકા શાહ હોવાનું બહાર આવ્યું છે. અનુજાએ પોતાનું નામ અનુરાધા અને પાછળ પોતાના પિતરાઈ ભાઈનું નામ લખાવી ખોટી અટક લખાવી હતી. સરનામું પણ પિતરાઈ ભાઈનું જ લખાવ્યું હતું. સોલા પોલીસને દરોડામાં ઘરમાં અન્ય એક મહિલા અમોલા કેતન પાટડીયા પણ હાજર મળી આવી હતી. જે દારૂ પીધેલી હાલતમાં મળી આવી ન હતી. અમોલા કોરોના નેગેટિવ આવ્યા હતા. જેઓએ માનસિક તણાવમાંથી દૂર થવા માટે તેઓએ મિત્રો સાથે મળી અને દારૂની મહેફિલ યોજી હોવાનું સોલા પોલીસે જણાવ્યું હતું. પોલીસે ચાર મહિલાઓ અને એક પુરુષ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution