દિલ્હી-

દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડ્યા બાદ છૂટછાટો મળવાની વધતા નવા કેસની સંખ્યા ઘટીને ૫૦ હજારની અંદર પહોંચ્યા બાદ ઉપર-નીચે થઈ રહી છે. ગઈકાલની સરખામણીમાં નવા કેસમાં વધારો થયો છે, ગઈકાલે ૨૪ કલાકમાં ૪૩,૭૩૩ નવા કેસ નોંધાયા હતા, જ્યારે આજે તેમાં વધારો થયો છે પરંતુ મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. સરકાર દ્વારા છૂટછાટો મળતા પ્રવાસન સ્થળો પર દેખાતી ભીડને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, જે પ્રમાણે લોકો કોરોનાને ભૂલીને ફરી રહ્યા છે તે ભવિષ્યમાં ભરી જાેખમી સાબિત થઈ શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૫,૮૯૨ કેસ નોંધાયા છે જેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ૪૪,૨૯૧ નોંધાઈ છે. દૈનિક કોરોનાથી થતા મૃત્યુનો આંક ૮૧૭ રહ્યો છે જે ગઈકાલની સરખામણીમાં ઓછો છે, ગઈકાલે એક દિવસમાં કોરોનાથી ૯૩૦ મોત નોંધાયા હતા. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૩,૦૭,૦૯,૫૫૭ થઈ છે જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યા ૨,૯૮,૪૩,૮૨૫ સાથે ૩ કરોડની નજીક પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાના લીધે કુલ ૪,૦૫,૦૨૮ દર્દીઓના મોત થઈ ગયા છે.દેશમાં પાછલા લાંબા સમયથી કોરોનાના નવા કેસની સામે સાજા થનારા દર્દીઓનો આંકડો ઊંચ રહેવાથી એક્ટિવ કેસ ૪,૬૦,૭૦૪ થયો છે, જે ગઈકાલે ૪,૫૯,૯૨૦ હતો, જેમાં આજે વધારો થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોનાના કુલ કેસની સામે એક્ટિવ કેસની ટકાવારી ૧.૫૦% થાય છે, સાજા થનારા દર્દીઓની ટકાવારી વધીને ૯૭.૧૮% થઈ છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૫%ની નીચે રહ્યો છે, જે હાલ ૨.૩૭% છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૪૨% સાથે પાછલા ૧૭ દિવસથી ૩% કરતા નીચો રહ્યો છે.૧૬ જાન્યુઆરીએ ભારતમાં કોરોનાની રસીના અભિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં કુલ ૩૬,૪૮,૪૭,૫૪૯ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ૩૩,૮૧,૬૭૧ ડોઝ પાછલા ૨૪ કલાકમાં આપવામાં આવ્યા છે.આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ગઈકાલ સુધીમાં કુલ ૪૨,૫૨,૨૫,૮૯૭ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ૭ જુલાઈના રોજ વધુ ૧૮,૯૩,૮૦૦ સેમ્પલ લેવામાં આવ્યા છે.દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર ૧.૨૩ ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે ૯૬.૯૨ ટકા છે. એક્ટિવ કેસ ઘટીને ૩ ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.