આણંદ, તા.૩૦ 

આણંદ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ રોકેટ ગતિએ ફેલાઈ રહ્યું છે. રોજેરોજ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટાભાગના કોવિડ સેન્ટરો પોઝિટિવ દર્દીઓથી ભરાઈ ગયાં છે. આજે વધુ ૧૧ કેસ નોંધાયા હતાં.

સૂત્રોનું જણાવવું છે કે, કોરોના સંક્રમણને લઈ તકેદારી માટે ગાઇડલાઇન હોવા છતાં લોકો તેનો અમલ કરતાં નથી. પરિણામે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આજે જિલ્લામાં વધુ ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે નવાં આવેલાં કેસમાં પરીખ ભુવનમાં રહેતાં ૬૫ વર્ષના વૃદ્ધ, સંદેશરના ભાથીજી ફળીયામાં રહેતાં ૪૦ વર્ષના આધેડ, આણંદની મોતીકાકાની ચાલી પાસે રહેતાં ૬૪ વર્ષના વૃદ્ધ, બાકરોલમાં રહેતાં ૩૫ વર્ષના પુરુષ, દેવની પોળ ખંભાતમાં રહેતાં ૭૦ વર્ષના વૃદ્ધાં, ખંભાતના જ ધોબી ચકલા પાસે રહેતાં ૪૮ વર્ષના મહિલા, ઉમરેઠની નાની દલાલ પોળમાં રહેતાં ૬૮ વર્ષના વૃદ્ધ, પેટલાદની ભગત સોસાયટીમાં રહેતાં ૬૧ વર્ષના વૃદ્ધ, ભાલેજ ઉમરેઠમાં રહેતાં ૫૩ વર્ષના મહિલા, સંદેશરના ભાથીજી ફળીયામાં રહેતાં ૪૦ વર્ષના પુરુષ, ખંભાતના જલુંધમાં રહેતાં ૫૧ વર્ષના પુરુષ અને ખંભાતની ખેડાવાળાની ચાલમાં રહેતાં ૭૯ વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે.

આજે નવાં આવેલાં ૧૧ કેસ બાદ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટુકડીઓ દ્વારા વિવિધ વિસ્તારમાં સેનિટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં કેસ નોંધાયા હતાં એ વિસ્તારને સીલ કરી કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની પ્રોસેસ હાથ દરાઈ હતી. આ ૧૧ કેસ પૈકી આણંદ શહેરના ગીચ ગણાતાં એવાં પરીખ ભુવનમાં વધુ એક કેસ નોંધાયો છે. અત્યાર સુધી ગણેશ ચોકડી અને પરીખ ભુવન વિસ્તાર કોરોના સંક્રમણથી બચી રહ્યાં હતાં. આજે પરીખ ભુવનમાં વધુ એક કેસ આવતાં હવે ત્યાં સંક્રમણ ન વધે તે તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સરવે હાથ ધરાયો છે.

આજે આવેલાં ૧૧ નવાં દર્દીઓમાં ૯ દર્દીઓને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. એક દર્દીને આણંદની જનરલ હોસ્પિટલમાં અને એક દર્દીને ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ બે દર્દી બાયપેપ પર, આઠ દર્દીઓ ઓક્સિજન પર અને એક દર્દીની સ્થિતિ સ્ટેબલ છે.