કોરોનાની આંગળી ઝાલી આવેલા જીવલેણ મ્યુકોરમાઈકોસીસથી વડોદરામાં પહેલું મોત
28, ડિસેમ્બર 2020

વડોદરા : કોરોનાની સારવાર દૃહોસ્પિટલમાં દાખલ થયેલ ૭૦ વર્ષીય વૃદ્ધાને નવા ઘાતક મ્યુકોરમાઈકોસીસ નામના રોગમાં સપડાતાં વૃદ્ધાનું મોત થયું હતું. અમદાવાદમાં ઘાતક મ્યુકોરમાઈકોસીસને કારણે આઠ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા બાદ વડોદરામાં રવિવારે પ્રથમ વૃદ્ધાનું જીવલેણ મ્યુકોરમાઈકોસીસથી પ્રથમ મોત નીપજ્યું હતું. નવા ઘાતક મ્યુકોરમાઈકોસીસમાં વડોદરામાં મોત થતાં સ્થાનિક આરોગ્ય તંત્ર સામે વધુ એક પડકાર ઊભો થયો છે. 

નવા ઘાતક મ્યુકોરમાઈકોસીસના નવા રોગે શહેર-જિલ્લામાં માથું ઊંચકયું છે તેવા સમયે નર્મદા જિલ્લ્લાના રાજપીપળા ખાતે રહેતાં ૭૦ વર્ષીય વૃદ્ધ મહિલા દર્દીને કોરોનાની સારવાર માટે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ સિદ્ધિ મલ્ટિસ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલમાં છેલ્લા દસ દિવસથી દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં હોસ્પિટલના ડો. જયેશ રાજપરાએ મહિલા દર્દીની સારવાર હાથ ધરી હતી. સારવાર દરમિયાન ત્રણ દિવસ પહેલાં વૃદ્ધાના નાકમાંથી લોહી નીકળવાનું શરૂ થયું હતું. જેથી ડો. રાજપરાને નવા મ્યુકોરમાઈકોસીસના લક્ષણો જણાતાં દર્દીનો બાયોપ્સી રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં વૃદ્ધ મહિલા દર્દીને કોરોનાની સારવાર દરમિયાન મ્યુકોરમાઈકોસીસ હોવાનું નિદાન આવ્યું હતું. ડો. રાજપરાએ બાયોપ્સીના રિપોર્ટના આધારે મ્યુકોરમાઈકોસીસની સઘન સારવાર હાથ ધરી હતી તે દરમિયાન વૃદ્ધાનું મોત થયું હતું. જેથી વડોદરા શહેરમાં મ્યુકોરમાઈકોસીસ નામના રોગથી વૃદ્ધ મહિલા દર્દીનું મોત થયું હતું.

નવો ઘાતક મ્યુકોરમાઈકોસીસના લક્ષણો

ખાનગી સિદ્ધિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિ.માં કોરોનાની સારવાર માટે દાખલ થયેલાં વૃદ્ધ મહિલા દર્દીને ભારે ડાયાબિટીસ, કિડનીની બીમારી હતી. કોરોનાની સારવાર દરમિયાન દર્દીને મ્યુકોરમાઈકોસીસના લક્ષણોમાં નાકમાંથી એકાએક લોહી નીકળવાનું શરૂ થયું હતું. શ્વાસ લેવાની તકલીફ શરૂ થઈ હતી. તે બાદ રોગ શરીરમાં પ્રસરતાં ચેતના ગુમાવતાં વૃદ્ધ મહિલાએ અંતિમશ્વાસ લીધો હતો એમ ડો. જયેશ રાજપરાએ જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution