વડોદરા : વડોદરામાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. છેલ્લાં બે મહિનાથી કોરોનાની સેકન્ડ વેવે હાહાકાર મચાવ્યો છે. ત્યારે વિતેલા છેલ્લા ર૪ કલાકમાં વડોદરા રેન્જ સાયબર સેલના પો.ઈન્સ સહિત ૨૭૨ લોકોનાં મોત થયાં છે. જાે કે, તંત્ર દ્વારા વધુ ૧૨ વ્યક્તિના મોત સાથે અત્યાર સુધી કોરોનાથી સત્તાવાર ૪૨૪ લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે. જ્યારે આજે વધુ ૯૩૫ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, સાથે સાથે વડોદરામાં એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને ૯૦૬૦ થઈ છે. જાે કે, આજે સંપૂર્ણ સ્વસ્થ થયેલા વધુ ૭૪૫ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની સેકન્ડ વેવના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. કોરોનાનો કહેર સતત વધતાં પરિસ્થિતિ કાબૂ બહાર થઈ રહી છે. કોરોનાના કેરના કારણે પોઝિટિવ કેસોની સંખ્યા વધવાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ મેળવવા, રેમડેસિવિર ઈન્જેકશનો મેળવવા સહિત માટે દર્દીઓ અને સ્વજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સાથે અનેક લોકોના ધંધા રોજગાર પણ બંધ થઈ ગયા છે.

વિતેલા છેલ્લા ર૪ કલાકમાં વડોદરા રેન્જના પી.આઈ.આર.આર. રાઠવા સહિત ૨૭૨ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ર૪ કલાકમાં કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવેલા ૧૦,૧૪૭ સેમ્પલો પૈકી ૯૩૫ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ પોઝિટિવ કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે. જ્યારે ગઈકાલની સરખામણીમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૯૦૬૦ થઈ છે, જે પૈકી ૫૮૨ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૩૬૮ દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે.

જ્યારે આજે સંપૂર્ણ સ્વસ્થ થતા વધુ ૭૪૫ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. આમ, અત્યાર સુધીમાં કુલ ૩૯,૦૮૪ લોકો કોરોનાને મ્હાત આપી ચૂકયા છે. જ્યારે હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની સંખ્યા આજે ઘટીને ૯૮૭૫ થઈ છે. વડોદરા શહેર-જિલ્લામાં પોઝિટિવ આવેલા ૪૮,૫૬૮ દર્દીઓ પૈકી સૌથી વધુ ૧૬,૪૮૪ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના અને પૂર્વ ઝોનમાં ૭૦૨૧ , પશ્ચિમ ઝોનમાં ૮૧૨૭, ઉત્તર ઝોનમાં ૮૬૩૭ અને દક્ષિણ ઝોનમાં ૮૨૧૪, જ્યારે શહેર અને રાજ્ય બહારના ૩૬ કેસ નોંધાયા છે.

શહેરમાં ધન્વંતરિ રથ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં તાવના ૬૬ અને શરદી, ખાંસીના ૧૯૪ દર્દીઓ જણાઈ આવતાં સ્થળ પર દવા આપવામાં આવી હતી. આમ, કોરોનાના કહેર વચ્ચે સતત પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે અને શહેરના તમામ સ્મશાનગૃહોમાં પણ અંતિમસંસ્કાર માટે મૃતકોના સ્વજનોને રાહ જાેવી પડી રહી છે.

ઓક્સિજનના પુરવઠાની સમીક્ષા અંગે કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ

વડોદરા. વહીવટીતંત્રના અથાગ પ્રયત્નો કરવા છતાં શહેરમાં હજુ પણ ઓક્સિજનનો જથ્થો પૂરતો આવતો નથી, તેવા સમયે વડોદરા શહેર-જિલ્લામાં મેડિકલ ઓક્સિજનનો પુરવઠો જળવાઈ રહે તે માટે મોટા પ્લાન્ટ્‌સ ખાતે ગઈકાલે નાયબ મામલતદાર અને પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. આ અગે આજે જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકે કામગીરી અંગે જરૂરી સૂચના આપવા બેઠક યોજી હતી. આ બેઠકમાં મામલતદારો અને પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી જરૂરી સંકલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક પૂર્ણ થયા બાદ કલેકટર અને પોલીસ અધિક્ષક નવલખી મેદાન ખાતે શરૂ કરવામાં આવેલી ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ્‌સની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

કોરોનાનો જુદા જુદા શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં પગપેસારો

વડોદરા. શહેર વિસ્તારો પૈકી છાણી, સુભાનપુરા, જેતલપુર, હરણી રોડ, વારસિયા, કારેલીબાગ, નવાપુરા, ફતેપુરા, નવી ધરતી, નાગરવાડ, શિયાબાગ, કપુરાઈ, સોમા તળાવ, દિવાળીપુરા, દંતેશ્વર, ગોત્રી, ગોરવા, પ્રતાપનગર, માંજલપુર, માણેજા, મકરપુરા, વડસર, આજવા રોડ, વાઘોડિયા રોડ, ખોડિયારનગર, યમુના મિલ, વાડી, આર.વી.દેસાઈ રોડ, કિશનવાડી, સવાદ, ફતેગંજ અને પાણીગેટનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્યના ડભોઈ, પાદરા, કરજણ, સાવલી, પોઈચા, સાંકરદા, પદમલા, માડોધર, વાઘોડિયા, સાંગમા, અનગઢ, ઊંડેરા, કોયલી, અંકોડિયા, દુમાડ, દશરથ, ગોવિંદપુરા, પુનિયાદ, મુવાલ, શેરખી, મોભા, અણખોલ, કુંઢેલા, ગોરજ, વિરોધ, બાજવા, ગવાસદ, ભાયલી, બિલ, ગમેઠા, મોકસી, મંજુસર, નંદેસરી, ઉમજ, ભરથલી, સાથોડ, રણુ, લતીપુરા, ડભાસા, જરોદ, કાશીપુરા, કેલનપુર, આસોજ, તેજપુરા, ચાપડ, ચાણોદ, વલણ, કરખડી, ઈટોલા, ફાજલપુર, મોટા ફોફળિયા, રૂસ્તમપુરા અને આમોદરનો સમાવેશ થાય છે.