09, જાન્યુઆરી 2021
ગાંધીનગર-
ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાના આગમન બાદ ડિસેમ્બરના અંત સુધીના ૯ મહિનામાં મહામારી પર અંકુશ મેળવવા માટે ૧,૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. શનિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકારે ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. પરંતુ રાજ્ય સરકારના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોરોનાના દર્દીઓની સારવારથી માંડીને, માળખાકીય અને સાધનિક સુવિધાઓ બધું જ મેળવીને આ ખર્ચ ૧,૬૦૦ કરોડ રૂપિયાથી વધુનો થયો છે. આગામી સમયમાં ગુજરાતમાં રસીકરણ શરૂ થશે અને રસીના ડોઝ નાગરિકોને વિનામૂલ્યે મળશે તેવી જાહેરાત પણ નાયબ મુખ્યમંત્રીએ કરી છે, આથી રસીકરણનો ખર્ચ ઉપરાંત કોવિડ દર્દીઓની સારવાર માટે પણ આગામી ત્રણથી ચાર મહિનામાં વધુ ૧,૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. એટલે કે ટેસ્ટથી લઈને દર્દીઓના ડિસ્ચાર્જ સુધી અને હવે રસીકરણ એમ કોરોના પાછળ સરકાર અંદાજે ૨૮૦૦ કરોડ રૂપિયા ખર્ચશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે સૌથી વધુ ખર્ચ રાજ્યમાં આવેલી સરકારી હોસ્પિટલોને કોવિડની સારવાર માટે સજ્જ બનાવવા તથા ખાનગી હોસ્પિટલોને કોવિડ દર્દીઓની સારવાર માટે પથારી રીઝર્વ રાખવા પાછળ કર્યો છે. આ ખર્ચ ડિસેમ્બરના અંત સુધીમાં જેટલાં દર્દીઓ સરકારી હોસ્પિટલોમાં કે સરકારે રીફર કરેલી ખાનગી હોસ્પિટલોમાં આવ્યાં તે માટેનો છે.
તે ઉપરાંત રાજ્ય સરકારે જે આયુર્વેદિક, હોમિયોપેથિક દવાઓ અને ઉકાળાનું વિતરણ કર્યું તથા વિવિધ વિસ્તારોમાં ધન્વંતરી રથ દોડાવ્યાં તેને સંબંધિત ખર્ચ અંદાજે ૭ કરોડ રૂપિયા જેટલો થયો છે. ત્યારબાદ પીપીઇ કીટ, માસ્ક, ગ્લોવ્ઝ તથા અન્ય સાધનોની ખરીદી માટે ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચાયાં છે તેમજ આરટીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટ કિટો માટે સરકારે ૨૫૦ કરોડનો ખર્ચ કર્યો છે. ટોસીલિઝુમેબ અને રેમડેસિવીર જેવી દવાઓની આપૂર્તિ માટે ૧૦૦ કરોડ જેટલી જંગી રકમ વપરાઇ છે, તો વહીવટી ખર્ચ, સ્ટેશનરી અને કમ્પ્યુટરના સાધનોની ખરીદી અને સરકારે સરકારી કર્મચારી સિવાયના જે લોકોની આ સારવારમાં સેવા લીધી તેમને ચૂકવાયેલાં એરિયર્સ અને મહેનતાણાં સહિત અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
સરકારે વેન્ટિલટર્સ, બાયપેપ સાધનો તથા પ્રવાહી ઓક્સિજન પાછળ ૭૦ કરોડ રૂપિયા ખચ્ર્યાં છે. આ ઉપરાંત સરકારે ૨૫ કરોડ રૂપિયા કોરોનાને કારણે મૃત્યુ પામેલાં સરકારી કર્મચારીઓના પરિવારને વળતર પાછળ પણ ખચ્ર્યાં હોવાનું રાજ્ય સરકારના સૂત્રો જણાવે છે. ૨૫ ટકા ખર્ચ રાજ્યના કુલ આરોગ્ય બજેટમાંથી કોરોના પાછળ થયો છે. આ ટકાવારીમાં અત્યાર સુધીનો ખર્ચ અને આગામી સંભવિત ખર્ચ પણ સામેલ છે. માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગના અમલ માટે રાજ્ય સરકારે સખ્તાઈ કરીને માસ્ક વિના ફરતા લોકો પાસેથી ૮ મહિનામાં ૧૨૫ કરોડનો દંડ વસૂલ્યો છે. રાજ્યભરમાં અંદાજે ૨૩ લાખ લોકો માસ્ક નહીં પહેરવા બદલ દંડાયા છે. ૨૪ જિલ્લા તથા કોર્પોરેશનોમાં ૧૦થી ઓછા નવા કેસ નોંધાયા હતા. માત્ર ૪ જિલ્લા/કોર્પોરેશનમાં ૫૦થી વધુ કેસ આવ્યા.