દેશભરમાં કોરોના સનામી એ હદે છે કે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરવી પડી છે.તેણે કહ્યું કે દેશમાં નેશનલ ઇમર્જન્સી જેવી સ્થિતિ ઉદભવી છે. અને આ બાબતે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. સુપ્રિમ કોર્ટે નિર્દેશ કર્યો છે કે દેશમાં ૬ જેટલી હાઇકોર્ટમાં કોરોના અનુસંધાને સુનાવણીઓ ચાલી રહી છે ત્યારે દેશમા ઓક્સિજનની સપ્લાય,જરૂરી દવાઓની સપ્લાય, વેક્સિન આપવાની પ્રક્રિયા અને લોકડાઉન બાબતે વિચાર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દાઓ પર વિવિધ રાજ્યોની હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બાબતે કહ્યું કે તે સારા હિત માટે સુનાવણી કરી રહી છે.પરંતુ તેના કારણે ભ્રમ પેદા થઈ રહ્યો છે અને સંસાધનો ડાયવર્ટ થઈ રહ્યા છે. જાે કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટમાં ચાલી રહેલા મુદ્દાઓમાં અમે જાેઇશું કે ક્યા મુદ્દા અમારી પાસે રાખવા લોકડાઉન લગાવવાનો અધિકાર રાજ્યો પાસેજ હોવો જાેઈએ મતલબ દેશમાં કોરોના વાયરસ માજા મુકી છે..!!

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પણ કોરોના સંક્રમિતોની સારવાર સુવિધાઓ પુરી પાડવામાં કે ઉભી કરવામાં ઊણી ઉતરી છે.જેના પરિણામો આમ પ્રજા જાેઈ રહી છે-અનુભવી રહી છે.સરકારી હોસ્પિટલો દેશભરમાં વસ્તીના પ્રમાણમાં ઘણી જ ઓછી છે અને સરકારે નવી હોસ્પિટલો નિર્માણ પણ કરી નથી.જે કારણે સિવિલ હોસ્પિટલો કોરોના દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે અને દર્દીઓને દાખલ થવા લાંબી લાઈનો લાગે છે.. પરિણામે જે તે રાજ્ય સરકારોએ તાત્કાલિક કોવિડ હોસ્પિટલો ઉભી કરવા દોડવુ પડે છે.તો ઓક્સિજન સપ્લાયમાં પણ ગુંચ ઊભી થતાં કે અછતને કારણે અનેકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે વધુ ઓક્સિજન પ્રાપ્ત કરવા વિવિધ પગલાં લીધા છે છતાં આજના સમયમાં આ બાબતે જરૂરી પુરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચાડવામાં નિષ્ફળતા કે પછી અછત છે કે ચુક છે.?

કોરોના સંક્રમિતો જે રાજ્યોમા વધુ પ્રમાણમાં કેસો નોંધાતા જઈ રહ્યા છે તે રાજ્યોમાં રેમડેસિવીરનો હાઉ એટલો મોટો ફેલાઈ ગયો છે કે કોરોના લક્ષણો દેખાતા જ પરિવારજનોને ઇન્જેક્શન લેવા માટે દોડાવવામાં આવી રહ્યા છે કે પછી પરિવારજનો તેને મેળવવા દોડી જાય છે,જેનો લાભ કેટલાક માનવતા વિહોણા તકવાદીઓ ઉઠાવી રહ્યા છે અને લોકોને લૂંટી રહ્યા છે.જાે કે તેની સામે સરકારી તંત્ર પગલાં રહ્યું છે. પરંતુ બધેજ તંત્ર પહોંચી ન શકે.તો ફરિયાદો પણ ઉઠી છે કે સિવિલ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં ક્યાંક ક્યાંક લાગવત કે આર્થિક બાબતને મહત્વ આપવામાં રહ્યું છે ત્યારે તંત્ર પણ હવે વધુ પ્રમાણમાં દોડતું થઇ ગયું છે. હોસ્પિટલો પર દર્દીઓની ૧૦૮ સેવાની લાઇનો લાગે છે.

સ્મશાન ગૃહો પર મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે પણ લાઈનો લાગે છે. ત્યારે રાજકીય પક્ષોએ અને સરકારે તમામ બાબતો ભુલીને લોકોની વહારે આવવાની જરૂર છે. માત્ર મતો મેળવીને લોકોને ભુલી ગયા હોય તેવી સ્થિતિ બની રહી છે. ટુંકમાં લોકો ત્રસ્ત છે ત્યારે રાજકીય પક્ષો સત્તા મેળવવા ચૂંટણીઓનેજ પ્રાથમિકતા આપી રહ્યા તેવું ચિત્ર પેદા થયું છે અને એ પણ કોરોના મહામારી વચ્ચે ત્યારે એવું લાગે છે કે રાજકીય ક્ષેત્રે મોટા ભાગના માનવતા કે માનવહિત ભૂલી ગયા છે કે કોરાણે મુકી દીધું છે.તેનું તાજુ ઉદાહરણ છે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પશ્ચિમ બંગાળમાં એક જ દિવસમાં ૧૦ હજારથી વધુ કોરોના સંક્રમિતોના કેસો સામે આવ્યા છે અને કુલ ૫૩ હજારથી ઉપર કોરોના કેસોનો આંક પહોંચી ગયો છે. છતાં ચૂંટણી પંચ કોઈ પણ સંજાેગોમાં ચૂંટણી યોજવા પર અડગ છે.જ્યારે કે રાહુલ ગાંધી (કોંગ્રેસ) સિવાયના પક્ષો ચૂંટણી પ્રચારમાં ગળાડૂબ બની ગયા છે ચૂંટણી પરિણામો બાદ કેવી પરિસ્થિતિ પેદા થશે તેની કલ્પના કરતા ધ્રુજારી છૂટી જાય છે. ત્યારે રાજકીય પક્ષો કે ચૂંટણી પંચ જાે કોરોના કેસોનો રાફડો ફાટશે તો જવાબદાર કોને કહીશું..?!