26, જુન 2021
ગાંધીનગર-
રાજયમાં કોરોનાની બીજી લહેર માંડ માંડ કાબૂમાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજયમાં કોરોનાને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રસીકરણ મહાઅભિયાન શરૂ કરાયું છે. જો કે આ રસીકરણ અભિયાનના પ્રારંભના એક બે દિવસ બધુ ઠીકઠાક ચાલ્યું હતું. પરંતુ ત્યાર બાદ આ રસીકરણ મહાઅભિયાનમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં રસીકરણ કેન્દ્રો ઉપર કોરોનાની રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થતો નથી. જેના કારણે આવા રસીકરણ કેન્દ્રોમાં રસીના ડોઝ ખતમ થઈ જતાં રસીકરણ કેન્દ્રને બંધ કરી દેવાય છે. જેના કારણે આવા દરેક રસીકરણ કેન્દ્રો ઉપરથી સેંકડો લોકો રસી લીધા વિના જ પરત ફરી રહ્યા છે. જેના કારણે નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ભયાવહ જોવા મળી હતી. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ બીજી લહેરને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકાર અથાગ પ્રયત્નો કરતી જોવા મળી છે. જેના અંતર્ગત સમગ્ર દેશમાં કોરોના પ્રતિકારક રસી માટેનું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત કોરોનાની આગામી ત્રીજી લહેરની દહેશતને જોતા રસીકરણ અભિયાનમાં ગતિ લાવવામાં આવી રહી છે. મોદી સરકાર દ્વારા રસીકરણના મહા અભિયાનના પ્રથમ દિવસે 88.09 લાખ નાગરિકોનું લોરસીકરણ કરીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જો કે, હવે આ રસીકરણના મહાઅભિયાનની ગતિમાં દિન-પ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે રસીની અછત. રસીની અછત હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રસીકરણ કેન્દ્રોની બહાર મોટા અક્ષરોમાં રસીકરણ કેન્દ્ર બંધ રહેવાની સૂચનાઓ લગાવવામાં આવી છે. જેથી રસી લેવા માટે જે તે રસીકરણ કેન્દ્રો ઉપર પહોંચેલા નાગરિકોને ત્યાંનો ધરમ ધક્કો થાય છે .
ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા વિનામૂલ્યે રસીકરણ અંગેની અનેક મોટી જાહેરાતો કરવામાં આવી ચૂકી છે. જેમ કે, ડોર-ટૂ ડોર રસીકરણ કરીશું, ઓન ધ સ્પોટ રસીકરણ જેવી અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે. આમ છતાં પણ રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મેગાસિટીમાં રસીકરણની અછત સર્જાવવા લાગી છે.
રાજ્યના મહાનગરોમાં કોરોના રસીકરણ અભિયાનમાં જ રસીના ડોઝ ખૂટવા લાગ્યા છે, તે રાજ્ય સરકારના સુચારું વ્યવસ્થાની વાતોની નિષ્ફળતા દર્શાવી રહ્યા છે. રાજ્યના મહાનગરોમાં કોરોના રસીનો જથ્થો ખૂટતા રસી લેવા આવેલા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ નાગરિકો પોતાના વિસ્તારમાં નજીકના જે તે રસીકરણ કેન્દ્ર ઉપર પહોંચતા જે તે કેન્દ્રો ઉપર રસીકરણ બંધ હોવાથી નાગરિકોમાં ભારે રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.
કોરોનાની મહામારીને કાબુમાં લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસીકરણ મહાઅભિયાન શરૂ કરાયું છે. આ રસીકરણના પ્રારંભના દિવસોમાં રાજ્યના મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાને સરકાર દ્વારા નિયત કરાયેલ રસીના ડોઝનો જથ્થો અપાયો હતો. પરંતુ ત્યાર બાદ સરકારના વહીવટી તંત્ર દ્વારા જે તે શહેરોને નક્કી કરાયેલા જથ્થા કરતાં પણ ઓછી માત્રામાં રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોને રસીના ડોઝનો જથ્થો આપવાની જે નિયત માત્રા નક્કી કરવામાં આવી છે. તે માત્રામાં જે તે શહેરોને રસીનો જથ્થો મળી રહ્યો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જેટલો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે તે નિયત કરાયેલા જથ્થાની માત્રાનો દસ ટકા જથ્થો પણ મળતો નથી. જેના કારણે સ્થાનિક કક્ષાના અધિકારીઓએ અને રસીકરણ કેન્દ્રના અધિકારીઓએ નાગરિકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે.