આણંદ-

સ્થાનિક ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. આણંદ જિલ્લામાં કોરોના કેસો વધી રહ્યા હોવાથી હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોનાને કારણે આણંદના એક પછી એક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોના સંક્રમણ વધતાં આણંદમાં સતર્કતા દાખવવામાં આવી રહી છે, ત્યારે આણંદ જિલ્લામાં વધુ બે ગામમાં સ્વૈચ્છિક લૉકડાઉન આપવામાં આવ્યું છે. આણંદના બોરસદના બોદાલ ગામમાં ૧૪ દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરાયું છે અને ઉમરેઠના લીગડામાં પણ ૬ દિવસનું લૉકડાઉન અપાયું છે. આણંદમાં અત્યાર સુધી જિલ્લામા ૮ ગામમાં લૉકડાઉન આપી દેવામાં આવ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લામાં કોરોના કેસ વધતા જઈ રહ્યા છે, ત્યારે આણંદમાં ફેલાયેલું સંક્રમણ ગામડાઓમાં ન પહોંચે તેના માટે ગામપંચાયતો દ્વારા ધડાધડ ર્નિણયો લઈને લોકડાઉન આપવામાં આવી રહ્યું છે. આજે આણંદના બે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં બોરસદના બોદાલ ગામમાં ૧૪ દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉન અને ઉમરેઠના લીગડામાં ૬ દિવસનું લોકડાઉન અપાયું છે. કોરોના સંક્રમણ વધતાં ગ્રામજનોએ સ્વૈચ્છિક ર્નિણય લીધો છે. આણંદના સારસા ગામે અગાઉ એક સાથે ૨૫ કેસ નોંધાતા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આણંદના સારસા ગામે ૭ દિવસ માટે લોકડાઉન જાહેર થયું હતું. પરંતુ ઘરવપરાશની વસ્તુ માટે સવારે ૧૦ વાગ્યા સુધી છૂટ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સારસા ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો ર્નિણય લેવાયો હતો.