કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતી રવિ રાજકોટ દોડી આવ્યા
31, ઓગ્સ્ટ 2020

રાજકોટ-

રાજકોટમાં કોરોના સંક્રમણની સંખ્યાની સાથે સાથે કોરોનામાં મોતના આંકડાઓ વધી રહ્યા છે. દરરોજના ૧૦ થી વધુ મોત નોંધાતા પરિસ્થિતિ બેકાબુ બની હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ બાદ રાજકોટનો ડેથસ્પોટ બની રહ્યું હોય તેમ લાગતા રાજયના આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતી રવિ રાજકોટની મુલાકાતે આવ્યા છે. આજરોજ પત્રકાર પરીષદમાં તેમને સુરતની પરિસ્થિતિ પર કાબુ મેળવ્યા બાદ રાજકોટમાં પણ તેનું મોડેલ અપનાવી કોરોનાની સ્થિતિને કાબુમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવશે અને રાજકોટની કોવિડ હોસ્પિટલોને ૧૦૦ જેટલા વેન્ટીલેટરો પણ ફાળવવામાં આવ્યા છે સાથે કોરોના પોઝીટીવ દર્દીઓને લુંટતા ખાનગી હોસ્પિટલોને પણ ગાઈડલાઈન મુજબ ફી લેવાનું જણાવ્યું છે. 

રાજકોટમાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ ભયજનક સ્થિતિએ પહોંચી રહ્યું છે. એક સમયે અમદાવાદ અને સુરતમાં કોરોના મોતનું તાંડવ કરી રહ્યો હતો તેજ રીતે રાજકોટમાં પણ કોરોના બિહામણુ સ્વરૂપ ધારણ કરતા મોતની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં અને અમદાવાદમાં ભયજનક કોરોના પર કાબુ મેળવ્યા બાદ તેનું મોડેલ અપનાવી રાજકોટની સ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવશે તેવું પત્રકાર પરીષદમાં રાજયનાં અગ્રસચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું.

વધુમાં જણાવતા આરોગ્ય સચિવે કહ્યું હતું કે, ગાંધીનગર અગ્રસચિવની ટીમ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોર ટીમ પણ રાજકોટની સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલો જે કોરોનાના દર્દીઓને સારવાર આપી રહી છે ત્યાં એકાદ અઠવાડિયુ રોકાઈને તમામ પરિસ્થિતિનો તાગ મેળવશે. એટલું જ નહીં વધતા જતા મૃત્યુ અને પોઝીટીવ કેસની રીકવરી સુધી પહોંચાડવા માટે પણ કેવા પગલા લેવા જોઈએ તેના વિશે સ્થાનિક તબીબો અને કોરોનાની સારવારમાં જોડાયેલા તમામ સ્ટાફને માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. ગઈકાલ રાતથી જ કોર કમિટીની ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે અને આજરોજ સવારથી સિવિલ હોસ્પિટલનાં તબીબો સાથે સંકલન કરી પોતાની કાર્યવિધિ શરૂ કરી છે. 

કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ગંભીર પરિસ્થિતિ જણાય ત્યારે તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવે છે. રાજકોટમાં પણ છેલ્લા એક માસથી કોરોના વિસ્ફોટ થયો હોય તેમ પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. સાથોસાથ આ દર્દીઓને સારવાર માટે અને ગંભીર પરિસ્થિતિમાં લડવા માટે અગ્રસચિવે સિવિલ અને ખાનગી કોવિડ હોસ્પિટલોને ૧૦૦ જેટલા વેન્ટીલેટર ફાળવવાની જાહેરાત કરી છે સાથે તમામ હોસ્પિટલોમાં બેડની કેપેસીટી પણ વધારવામાં આવશે તેવું ઉમેર્યું હતું. અત્યાર સુધી ૧૮૦ બેડની જે કેપેસીટી હતી તેમાં ૧૪૦ બેડની કેપેસીટી વધારી છે અને સમરસ હોસ્ટેલ ખાતે પણ ૧૨૦ ઓકિસજન સાથેના જે બેડ હતા તેની કેપેસીટી ડબલ કરીને ૨૪૦ સુધી કરવાનું જણાવ્યું હતું. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution