કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસઃ પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારાની ધરપકડ
01, જાન્યુઆરી 2021

અમદાવાદ-

ઝાલોદના બહુચર્ચિત કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં મુખ્ય આરોપી અમિત કટારાની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ પોલીસે અમિત કટારાની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ આ કેસમાં અત્યાર સુધી કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે દાહોદ પોલીસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ વિગત આપવામાં આવશે. અમિત કટારા પૂર્વ સાંસદ બાબુ કટારાનો પુત્ર છે. 

ત્રણ દિવસ પહેલા દાહોદ જિલ્લાના ઝાલોદમાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યા મામલે ગુજરાત એટીએસએ ઇમરાન ગુડાલા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. હત્યા કરવા પાછળ એ વાત સામે આવી રહી છે કે ૬ મહિના પહેલા હિરેન પટેલની મદદથી નગરપાલિકા કાૅંગ્રેસ પાસેથી જતી રહી હતી અને તેનો બદલો લેવા માટે હત્યા કરવામાં આવી હતી.

ઈમરાનને અમિત કટારાના કહેવાથી હત્યા માટે સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. આશરે ત્રણ મહિના પહેલા ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની અકસ્માત કરી હત્યા નીપજાવી હતી તે ગુનામાં સ્થાનિક પોલીસે કુલ છ આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ આ ધરપકડમાં રાજકીય ષડયંત્રની ગંધ આવી રહી હતી. જાે કે હત્યાનું કારણ અને હત્યા કોણે કરાવી તે સ્પષ્ટ થઈ રહ્યું નહોતું, જેથી ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કેસની તપાસમાં જાેડાવા અને ફરાર આરોપી ઝડપી લેવા એટીએસને આદેશ આપ્યા હતા.

જેની તપાસ કરતા એટીએસે ઇમરાન ઉર્ફે ઇમુ ગુંડાલાની હરિયાણાથી ધરપકડ કરી હતી. જેની તપાસમાં હત્યાના મુખ્ય આરોપી અને કાવતરૂં રચનાર અમિત કટારાનુ નામ સામે આવ્યુ છે. મુખ્ય આરોપી અમિત કટારાએ અજય કલાલ અને ઈમરાન ઉર્ફે ઈમુ ગુંડાલા સાથે મળી ગોધરાકાંડના આરોપી ઈરફાન પાડાને અંદાજે ૪ લાખની સોપારી આપી હતી. જેમાં ઈરફાને પેરોલ પર છુટીને આવ્યા બાદ હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા માટે ઈમુએ ઈરફાનને હિરેન પટેલનુ ઘર બતાવ્યુ હતુ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution