વડોદરા : વડોદરા મહાનગર પાલિકામાં સતત મળતી અવિરત સત્તાના નશામાં મદ બનેલા શાસક ભાજપ દ્વારા બહુમતીના જાેરે જાેહુકમી કરીને અધિકારીઓની પાસે મનસ્વી કામગીરી કરાવવામાં આવે છે. એનું સૌથી વધુ જાેખમી કામ ભાજપના મહિલા કાઉન્સિલર દ્વારા ઈલોરા પાર્ક વિસ્તારમાં કરાવવામાં આવ્યું છે. રામનામે પ્રજાના મતે જીત્યા પછી પ્રજાને રામરામ કરતા શાસકોના વધુ એક મનસ્વી પરાક્રમનું આ પાપ છાપરે ચઢીને પોકારતા મનસ્વી અને જુલ્મી શાસકો સામે બુદ્ધિજીવીઓમાં ફીટકારની લાગણી વરસી છે. તેમ છતાં આ કામ રાજકીય દબાણ હેઠળ કર્યાનું ખુલ્લું પડી જાય નહિ એને માટે પારેવાની માફક શાસકો સામે ફફડતા કે પછીથી પોતાનો ઉચ્ચ હોદ્દો જળવાઈ રહે એવા સ્વાર્થે પણ અધિકારીએ આ જાેખમી ઓવર હેડ ગેસ લાઈનના કામને પ્રજાનું કામ ગણાવીને શાસકોનો લૂલો બચાવ કર્યો હતો. આ કામમાં પાલિકાના ગેસ ખાતા દ્વારા “ન ભૂતો ન ભવિષ્યતિ “ જેવું જાેખમી કામ પ્રજાની સવલતના નામે નેતાને માટે કર્યું હતું. જેના જાેડાણમાંથી ભાજપના ઈલેક્શન વોર્ડ -૮ના મહિલા કાઉન્સીલરના ઘર પાસે જે ગેસ કનેક્શન આપવામાં આવ્યું હતું. તેઓએ વિરોધ નોંધાવતા ભાજપના કાઉન્સિલર અને એમના પતિ દ્વારા જે થાય તે કરી લેવાની ધમકી ઉચ્ચાર્યાની ચર્ચાઓ પણ આ વિસ્તારમાં થઇ હતી.  

ઉપલબ્ધ વિગતો અનુસાર શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઈલોરા પાર્ક પાસે આવેલ સેવાશ્રમ સોસાયટીમાં ભાજપના ઈલેક્શન વોર્ડ -૮ ના મહિલા કાઉન્સિલર શ્રીમતી રાધિકા મહેશ ભટ્ટ રહે છે. તેઓના ઘર પાસે બે દિવસ અગાઉ કોઈ કારણસર કલાકો સુધી ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેને લઈને તેઓએ તંત્ર અને અધિકારીઓનો ઉધડો લઈને કોઈપણ હિસાબે ગેસ પુરવઠો ચાલુ કરવાને માટે ઉધામો મચાવ્યો હતો. પરંતુ ગેસ ખાતાને કલાકોની શોધ છતાં લાઈનમાં ક્યાં ફોલ્ટ છે. એ પકડાતો નહોતો. જેથી તેઓએ પાલિકાના વીવીઆઈપી કાઉન્સિલરો એવા મેયર ડો.જિગીષાબેન શેઠ, પૂર્વ સ્થાયી અધ્યક્ષ અજિત પટેલ અને વર્તમાન સ્થાયી સમિતિના સભ્ય ધર્મેન્દ્ર પંચાલની પેનલમાં ચૂંટાયેલા સભ્ય રાધિકા મહેશ ભટ્ટને ગેસ જાેડાણ ચાલુ કરી આપવાને માટે આકાશપાતાળ એક કર્યા હતા. આને માટે આ વિસ્તારમાં આવેલ વિંગ્સ વિલે -૨ ની ગેસ ચેમ્બરમાંથી ટી જાેડાણ આપીને અંદાજે સો મીટર દૂર સુધી ગેસની ઓવર હેડ લાઈન નાખીને ગેસનું જાેડાણ કરી આપ્યું હતું. વડોદરાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક શાસક પક્ષ ભાજપના કાઉન્સીલરના ઘરમાં ગેસ પુરવઠો જળવાઈ રહે એને માટે આટલું મોટું જાેખમ લેવામાં આવ્યું હતું. આવું જાેખમ કોઈપણ ગેસ લાઇનને માટે વિશ્વમાં ક્યાંય લેવામાં આવતું નથી. ત્યારે આ વિશેષ જાેડાણ માત્ર કાઉન્સિલરના લાભાર્થે આપવામાં આવ્યું છે એમ લાગે નહિ એના માટે આ વિસ્તારના ચાલીસ જેટલા મકાનોને ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હોવાથી અપાયો હોવાનો શાસકો તરફી લૂલો બચાવ પાલિકાના ડેપ્યુટી કમિશ્નર અને ગેસ વિભાગનો હવાલો ધરાવતા શૈલેષ નાયકે કર્યો હતો. જયારે બીજી તરફ આવા જાેખમી અને ગેરકાયદેસર જાેડાણનો વિરોધ કરનાર સ્થાનિકોને સત્તાના નશામાં ખુલ્લી ધમકી આપીને થાય તે કરી લેવાની ચીમકી ભાજપના નેતાઓએ આપતા આક્રોશ ફેલાયો હતો. આને લઈને સોશ્યલ મીડિયા પર ભાજપની તરફદારી અને કામગીરીના ભરપેટ વખાણ કરતા ભક્તો અને વિરોધ કરનારાઓ વચ્ચે રીતસરનું શાબ્દિક યુદ્ધ પણ ખેલાયું હતું. જાે કે ધાર્યું ધણીનું જ થાય એ ઉક્તિ મુજબ ભાજપના મહિલા કાઉન્સિલરની સત્તા આગળ વિરોધીઓનું શાણપણ ટૂંકું પડ્યું હતું

ભવિષ્યમાં કોઈ નાગરિકને આવી સવલતો અપાશે ખરી ?

વડોદરા મહાનગર પાલિકાના મહિલા કાઉન્સિલરના ઘરનો ગેસ પુરવઠો ખોરવાઈ જતા ઉંચાનીચા થઇ ગયેલા પાલિકાના ગેસ ખાતા દ્વારા નજીકના ચેમ્બરમાંથી ઓવર હેડ ગેસ પાઈપલાઈન બિછાવીને હંગામી ધોરણે ગેસલાઇન ચાલુ કરાવી આપી હતી. હવે પ્રશ્ન એ ઉભો થવા પામ્યો છે કે જાે ભવિષ્યમાં કોઈ નાગરિક કે સોસાયટીના ઘરોમાં આવી રીતે ગેસ પુરવઠો ખોરવાઈ જશે તો હંગામી ધોરણે આવી રીતે ઓવરહેડ ગેસ પાઇપ લાઈન નાખીને જાેડાણ અપાશે ખરું? એવો પ્રશ્ન ઉઠ્‌યો છે. આને લઈને તંત્ર માટે બકરું કાઢતા ઉંટ પેઠા જેવો ઘાટ ઘડાયો છે.

રિલાયન્સ જિઓને કારણે વારંવાર ફોલ્ટ સર્જાવા છતાં નોટિસના નામે કાર્યવાહી કેમ નથી થતી?

રિલાયન્સ જીઓની કામગીરીમાં આડેધડ કરાતા કામને લઈને અવારનવાર શહેરના વિવિધ વિસ્તારોમાં ગેસ, ડ્રેનેજ અને પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાય છે. આવુ જ કૈક ઈલોરા પાર્કની ગેસ લાઈનમાં બનવા પામ્યું હોવાનું પાલિકાના ડેપ્યુટી કમિશ્નર શૈલેષ નાયકે જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે જીઓના ખોદકામને કારણે ગેસ લાઈનમાં પાણી ભરાતા ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પાલિકાનું તંત્ર જીઓના ખોદકામને લઈને હેરાન પરેશાન થઇ ગયું છે. તેમ છતાં એની વિરુદ્ધ નોટિસ કાઢવાને માટે કે દંડકીય કાર્યવાહી કરવાને માટે કાર્યવાહી કરતા ઉચ્ચ અધિકારીઓ અને શાસકોના હાથ ધ્રુજી રહયા છે. જેને લઈને બેફામ બનેલા જિઓવાળા મોટાભાગે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના જાણે કે પાલિકા તંત્રને ખિસ્સામાં લઈને ફરી રહ્યું હોય એમ મનસ્વી રીતે વર્તે છે.