જામનગર, જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્ટસની જાતિય સતામણી મામલે ફરિયાદ નોંધાયા બાદ ઝડપાયેલા બંને આરોપીઓેને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામા આવતા કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.પોલીસ તરફથી ૮ દિવસના રિમાન્ડ માગવામા આવ્યા હતા. બંને પક્ષની દલીલોના અંતે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહિલા એટેન્ડન્ટ દ્વારા જાતિય સતામણીની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા તાત્કાલીક જીજી હોસ્પિટલના કોવિડ વિભાગના એચઆર મેનેજર એલબી પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણની અટકાયત કરી હતી. બંને આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ નેગેટિવ આવતા પોલીસે વિધિવત ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોરોનાની બીજી વેવ દરમિયાન જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બે હજાર કરતાં વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જેમની દેખરેખ માટે ૫૦૦ કરતાં વધુ અટેન્ડન્ટ્‌સની નિમણૂક કરવામાં આવી હતી. આ અટેન્ડન્ટ્‌સ પૈકીની કેટલીક મહિલા અટેન્ડન્ટ્‌સ દ્વારા તેમના સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો કરાયા હતા. સુપરવાઈઝર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. જાે મહિલા અટેન્ડન્ટ તૈયાર ના થાય તો તેને નોકરીમાંથી દૂર કરવામા આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો.સરકારી કોવિડ હોસ્પિટલમા મહિલા એટેન્ડન્ટના યૌન શોષણનો મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે કડક તપાસના આદેશ આપ્યા હતા. ખુદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યપ્રધાને જામનગર કલેકટર સાથે વાત કરી કડક તપાસના આદેશ આપ્યા હતા. કલેકટર દ્વારા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ત્રણ સભ્યોની કમિટી રચવામા આવી હતી. કમિટી દ્વારા મહિલા એટેન્ડન્ટના નિવેદનો નોંધી રિપોર્ટ તૈયાર કર્યો હતો અને સરકારને મોકલી આપ્યો હતો.