ગાય - કૂતરાઓને ૯૦૦ કિલો ચૂરમાના લાડું ખવડાવી સારા વરસાદની પ્રાર્થના
28, જુન 2021

જામનગર, કોરોના કાળને કારણે તમામ ધંધા-રોજગારને માઠી અસર પડી છે. એવામાં જીવલેણ વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન અને કરફ્યૂ જેવા કડક પગલાં પણ લેવા પડ્યાં હતાં. જેનાથી ધંધા-રોજગારને મોટું નુકસાન થયું. કૃષિ ક્ષેત્રે પણ કોરોના કાળમાં ભારે નુકસાની થઈ. આ સ્થિતિની વચ્ચે હવે ગુજરાતના જામનગર જિલ્લાના ખેડૂતો પણ મેઘરાજાની પધરામણીની કાગડોળે રાહ જાેઈ રહ્યાં છે. એવામાં અહીનીં મહિલાઓએ મેઘરાજાને રીઝવવા અનોખો સેવા યજ્ઞ કર્યો છે. જામનગર જિલ્લામાં સારો વરસાદ પડે તે માટે મેઘરાજાને રીઝવવા મહિલા મંડળ દ્વારા ૯૦૦ કિલો જેટલા ચૂરમાના લાડુ બનાવવામાં આવ્યા. સ્થાનિક લોકો દ્વારા ગાય અને કૂતરાને લાડુ ખવડાવી સારા વરસાદની પ્રાર્થના કરવામાં આવી હતી. મહિલા મંડળ દ્વારા ૧૬ વર્ષની પરંપરા જાળવી રાખવામાં આવી છે. જામનગરમાં સારા વરસાદની શુભકામના માટે આજરોજ કૃષ્ણનગર મહિલા મંડળ દ્વારા ગાય તથા કૂતરા માટે ૯૦૦ કિલો લાડુ બનાવ્યા હતાં. જામનગરમાં ચોમાસાની સિઝન આવી છે ત્યારે આ વર્ષે સારો વરસાદ પડે તે માટે મેઘરાજાને રિઝવવા પ્રયાસો શરુ થઇ ચૂકયા છે. જામનગરમાં કૃષ્ણનગર મહિલા મંડળ દ્વારા ૨૪૦ કિલો ઘઉં, ૧૫૦ કિલો તેલ તથા ૧૫૦ કિલો ગોળ સહિતની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરી અંદાજિત ૯૦૦ કિલો જેટલા ચુરમાના લાડુ બનાવવામાં આવ્યા હતાં અને શહેરમાં ગાય તથા કૂતરાઓને આ લાડુ ખવડાવી સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી. આ સેવા કાર્યમાં કૃષ્ણનગર મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી. પહેલાંના સમયમાં વરસાદ ન આવે ત્યારે મેઘરાજાને રીઝવવા માટે જાત-જાતના જતનો કરવામાં આવતા હતા. ક્યારેક સંગીત વગાડવામાં આવતું, ક્યારેક રાગ મલ્હાર આલાપવામાં આવતો, ક્યારેક યજ્ઞ કે હવન કરવામાં આવતો. એટલું જ નહીં મેઘરાજા અને વરુણ દેવની પૂર્જા અર્ચના પણ કરવામાં આવતી. જામનગરની મહિલાઓએ પણ આવી જ શ્રદ્ધા સાથે આ સેવા યજ્ઞ કર્યો છે. જેમાં તેમણે ગાય અને કૂતરા માટે ચૂરમાના લાડું બનાવીને મેઘરાજાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો છે. આ કામમાં સંસ્થાની મહિલાઓ ઉપરાંત ગામ લોકો પણ સ્વયંભૂ જાેડાઈ ગયા હતાં. સૌ કોઈએ આ સેવા યજ્ઞની પ્રસંશા કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution