અમદાવાદ-

ગત 31 ડિસેમ્બરની રાતે સુરેન્દ્રનગરથી અમદાવાદ ખરીદી માટે આવેલા બે મિત્રોને પોલીસની ઓળખ આપી આરોપીઓએ વસ્ત્રાલ પાસેથી ઇકો કારમાં તેમનું અપહરણ કર્યુ હતું. અપહરણના કલાકો બાદ તેમણે વેપારીને ફોન કરી તેમની પાસેથી રૂ. 1 કરોડની ખંડણી માંગી હતી. આરોપીઓએ બંને યુવકોને વસ્ત્રાલથી અપહરણ કરી બગોદરા, લિંમડી અને રાણપુર વિસ્તારમાં બે દિવસ ગોંધી રાખ્યા હતા. આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું હતું કે સિકંદર નામના આરોપીએ પૈસાની તંગીને કારણે આ અપહરણનો પ્લાન બનાવ્યો હતો. ઉપરાંત આરોપીઓ આ મામલો સમાચારોમાં આવ્યો છે કે નહિ તે જાણવા માટે સતત નજર રાખી રહ્યા હતા. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી રૂ. 40 લાખની ખંડણીની રકમ કબ્જે કરી છે અને આરોપીઓને જેલના હવાલે કરવામાં આવ્યા છે.સુરેન્દ્રનગરના વેપારીના 2 પુત્રોને અપહરણકર્તાની ચુંગાલમાંથી ક્રાઈમ બ્રાંચે ફક્ત 48 કલાકમાં જ છોડાવ્યા હતા. આરોપીઓએ બન્ને યુવકોનું અપહરણ કરી વેપારી પાસે રૂ. 1 કરોડની ખંડણી માંગી હતી. તેમજ બે દિવસ આ યુવાનોને ગોંધી રાખી તેમને માર પણ માર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી કરી ગુનો નોંધી ફરિયાદી વેપારીના પરિચિત અને અન્ય 3 આરોપીની ધરપકડ કરી ખંડણીના રૂ. 40 લાખ રોકડા કબ્જે કર્યા છે.