પંચમહાલ-

જિલ્લાના શહેરા સેવાસદનની પાછળ આવેલા સરકારી ગોડાઉનમાં મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમ દ્વારા ઘઉની અને ચોખાના અનાજના કટ્ટાની ઘટ જણાતા તપાસનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો હતો. આ મામલે શહેરાના મામલતદાર મેહુલ ભરવાડે ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર, તથા અન્ય CAની ટીમના પ્રતિનિધિ, તેમજ ટ્રાન્સપોર્ટના ડીલીવરી કોન્ટ્રાકર વિરુદ્ધ શહેરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. વધુમાં 3,72,67,900 કરોડ રૂપિયાના સરકારી અનાજનુ આર્થિક નુકસાન કર્યુ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા મથક ખાતે છેતરપીંડી કરીને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ શહેરા પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો છે. જેમા આરોપી તરીકે 1.) કનૈયાલાલ નાગજીભાઈ રોત(ઈ.ચા.ગોડાઉન મેનેજર) 2.) ગોડાઉનમા તપાસણી કરનાર C.A ટીમના પ્રતિનિધિ (વિજય તેવર એન્ડ કંપની,વિશાલ શાહ રહે,વડોદરા,) 3.) ડોરસ્ટેપ ડીલીવરી કોન્ટ્રાકટર,રોયલ ટ્રાન્સપોર્ટ વતી,આરીફ નુરુલ અમીન શેખ સામે શહેરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ છે.

ગોડાઉનમાં રખાયેલા ઘઉં અને ચોખાનો બંધ સ્ટોક અને ઉપલબ્ધ જથ્થો તપાસ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ઘઉંના 50 કિલો વજનના 13127 કટ્ટા અને 50 કિલો વજનના ચોખાના 1298 કટ્ટાનો જથ્થો ઓછો મળી આવ્યો હતો. જે નિહાળી તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને ગોડાઉન મેનેજર પાસે કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ગોડાઉન મેનેજરે ટેકનિકલ કારણ આગળ કરી બે દિવસમાં ઓછા જથ્થા અંગે જવાબ આપવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.