નડિયાદ : નડિયાદના જવાનનું ફરજ દરમિયાન હૃદયરોગના હુમલાથી નિધન થતાં શહેરમાં ગમગીની છવાઈ ગઈ હતી. નડિયાદના રહેવાસી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)માં ફરજ બજાવતાં જવાનનું અકાળે નિધન થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. સોમવારે સવારે જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમયાત્રામાં નગરજનો, સમાજના શ્રેષ્ઠિઓ સહિત દેશપ્રેમીઓ જાેડાયાં હતા. વંદે માતરમના ઘોષ વચ્ચે અંતિમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રા દરમિયાન શહેરીજનોની આંખો ભીની થઈ ગઈ હતી.

નડિયાદમાં કપડવંજ રોડ ઉપર એસઆરપી કેમ્પ સામે આવેલાં શુભ લક્ષ્મી સોસાયટીમાં રહેતા દિનેશ મેટકરને હ્રદયરોગનો હુમલો થતાં નિધન થયું હતું. તેઓ સીઆરપીએફમાં ફરજ બજાવતાં હતાં. અત્યારે તેઓ શ્રીનગર ખાતે ફરજ ઉપર હતાં તે સમયે આકસ્મિક નિધન થયું હતું, જેનાં કારણે તેમના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું.

રવિવારની રાત્રે જવાનના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ ખાતે લવાયો હતો, ત્યારબાદ મોડી રાત્રે વતન નડિયાદ ખાતે લવાયો હતો. અહીં તેમના દેહને કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો ત્યાર પછી સોમવારે સવારે જવાન દિનેશભાઈના પાર્થિવદેહને ઘરે લાવવામાં આવ્યો હતો.

આ સમયે જવાનના માતા, પત્ની અને બે દીકરીઓએ ભારે આક્રંદ કર્યું હતું. આશરે ૭ઃ૩૦ વાગ્યે જવાનની અંતિમયાત્રા તેનાં ઘરેથી નીકળી પારસ સર્કલ પાસેના મુક્તિધામે પહોંચી હતી. આ અંતિમયાત્રામાં આગળ બાઇક વચ્ચે ટ્રેક્ટર અને પાછળ પગપાળા ચાલતાં લોકો જાેવાં મળ્યાં હતા. ભારત માતા કી જય, વંદે માતરમ જેવાં ઘોષ સાથે અંતિમયાત્રા નીકળી હતી.

દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપ્યો

અંતિમયાત્રામાં સમાજના આગેવાનો સહિત નગરજનો પણ જાેડાયાં હતાં. તેમનાં પાર્થિવ દેહને ૨ કિલોમીટર દૂર આવેલાં મુક્તિધામ ખાતે લઈ જવાયો હતો. ત્યારપછી શાસ્ત્રોક્ત વિધી કર્યા બાદ જવાનની બંને દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપ્યો હતો.

પરિવારના એકમાત્ર કમાઉ વ્યક્તિની અણધારી વિદાઈથી આભ તૂટી પડ્યું!

અકાળે નિધનના કારણે જવાનનાં પત્ની અને દીકરીઓ એકલાં થઈ ગયાં હતાં. તેમનાં ઘરમાં દિનેશભાઈ એક જ કામાવનારા હતા. મુખ્ય વ્યક્તિને ગુમાવતાં પરિવાર ઉપર તકલીફોનો પહાડ તૂટી પડ્યો છે.