દિલ્હી-

ભારતની અગ્રણી સમાચાર સંસૃથા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (પીટીઆઈ)ના કમ્પ્યુટર સર્વર પર મોડી રાત્રે રેન્સમવેર હુમલો થયો હતો, જેને પગલે સમગ્ર દેશમાં કેટલાક કલાકો માટે તેની સમાચારોની સેવા ખોરવાઈ ગઈ હતી. આ સાઈબર હુમલા પછી પીટીઆઈ પાસે ખંડણી માગવામાં આવી હતી. જાેકે, આઈટી એન્જિનિયરોની લગભગ 12 કલાકની જહેમત પછી સમાચાર સંસૃથાનું કામ શરૂ થયું હતું. પીટીઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં તેના સર્વર્સ પર શનિવારે રાત્રે 10.10 વાગ્યે લોકબિટ નામના રેન્સમવેરનો હુમલો થયો હતો.

વાયરસે બધો જ ડેટા અને એપ્લિકેશન્સ એન્ક્રિપ્ટ કરી નાંખ્યા હતા, જેથી તેની સમાચાર સેવા ખોરવાઈ ગઈ હતી. વાયરસનું મૂળ જાણી શકાયું નથી તેમજ આ હુમલો ઈરાદપૂર્વક કરવામાં આવ્યો હતો કે તે કોઈ રેન્ડમ એટેક હતો તે પણ જાણી શકાયું નથી. જાેકે, હુમલા પછી એનક્રિપ્ટેડ ડેટા પાછો આપવા માટે ખંડણી માગવામાં આવી હતી. પીટીઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પીટીઆઈના આઈટી એન્જિનિયર્સે 12 કલાક સુધી મથામણ કર્યા પછી રવિવારે સવારે 9.00 વાગ્યાથી સમાચાર સંસૃથાનું કામ સામાન્ય થયું હતું.

કંપનીએ હુમલાખોરોને ખંડણી ચૂકવી નહોતી. સાયબરસિક્યોરીટી  કંપની સોફોસના એક તાજા સરવે મુજબ છેલ્લા કેટલાક વર્ષમાં સમગ્ર વિશ્વમાં રેન્સમવેરના હુમલા વધ્યા છે. સરવેમાં આવરી લેવાયેલી 82 ટકા કંપનીઓએ આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે રેન્સમ હુમલાની કબૂલાત કરી છે. આ હુમલાઓ વખતે માત્ર 8 ટકા કંપનીઓ તેમનો ડેટા એન્ક્રિપ્ટ થાય તે પહેલાં હુમલો અટકાવી શકે છે જ્યારે તેની વૈશ્વિક સરેરાશ 24 ટકા છે. માત્ર ત્રીજા ભાગની ભારતીય કંપનીઓનું કહેવું હતું કે તેઓ બેકઅપમાંથી એનક્રિપ્ટેડ ડેટા પાછો મેળવી શકી છે જ્યારે ૬૬ ટકા કંપનીઓનું કહેવું હતું કે તેમણે ડેટા પાછો મેળવવા ખંડણી ચૂકવવી પડી હતી.