આંતરરાજ્ય બાળતસ્કરી ગેંગના બે સભ્યોને ૩ બાળકો સાથે દાહોદ પોલીસે ઝડપી પાડ્યા
05, ઓગ્સ્ટ 2023

દાહોદ, તા.૫

દાહોદથી આંતરરાજ્ય બાળ તસ્કરી ગેંગના એક મહિલા અને એક પુરુષને દાહોદ બી ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી દબોચી લઈ તેઓની સાથેના બે બાળકી અને એક બાળક મળી ત્રણ ભૂલકાઓનો કબજાે લઈ કરેલ પૂછપરછમાં તેઓએ બાળકોને ઉઠાવી લાવી તે બાળકો પાસે ભીખ મંગાવતા હોવાની સ્ફોટક કબુલાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. રાજસ્થાનની ભીલવાડા પોલીસે પણ આ બાળક તસ્કરી ગેંગના સભ્યો દ્વારા કરાતી બાળ તસ્કરી અંગેના સીસીટીવી ફૂટેજ જારી કર્યા હતા. તે ફૂટેજ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એ એન ગઢવીએ જાેયા હતા. ત્યારે બીજી તરફ ગઈકાલે એક ખાસ બાતમીદારે દાહોદમાં સ્ટેશન રોડ પર બાળ તસ્કરી ગેંગના બે સભ્યો ત્રણ નાના ભૂલકાઓ સાથે દાહોદ સ્ટેશન રોડ પર હોવાની ફૂટેજ સાથેની બાતમી આપતા પીઆઈગઢવીએ બંને ફૂટેજ ચકાસતા તે બંનેમાં બાળતસ્કરી ગેંગના સભ્યો તે જ હોવાનું જણાઈ આવતા તેઓ પોતાના પોલીસ સ્ટાફના માણસોને સાથે લઈ દાહોદના સ્ટેશન રોડ પર દોડી ગયા હતા. અને સ્ટેશન રોડ પરથી અમદાવાદ જવા નીકળે તે પહેલા જ બંનેને ત્રણ બાળકો સાથે દબોચી લીધા હતા. અને પૂછપરછ માટે બંનેને અત્રેની કચેરીએ લાવ્યા હતા. પૂછપરછમાં તેઓએ પોતાના નામ નરેન્દ્રસિંહ માનસિંગ રાવત તેમજ ગીતા ઉર્ફે નસીમા હજીમા રહેમાન હોવાનું તેમજ તેઓ બંને રાજસ્થાનના શિખર જિલ્લાના રીંગસ ગામના હોવાનું અને બંને પતિ પત્ની તરીકે રહેતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની સાથેના ત્રણ બાળકો બાબતે પૂછતા તેઓએ નોર્થ ઈસ્ટ માંથી એક બાળકીની ઉઠાંતરી કરી હોવાનું જણાવ્યું હતું બીજા બાળકની અઢી વર્ષ પહેલા દિલ્હી ખાતેથી ઉઠાંતરી કરી હોવાનું જ્યારે ત્રીજી બાળકીની ગત તારીખ ૨૭ જુલાઈના રોજ રાજસ્થાનના ભીલવાડા ખાતે રેલ્વે સ્ટેશન પર બાળકીના માતા પિતાને ચિક્કાર દારૂ પીવડાવી બાળકીની ઉઠાંતરી કરી હોવાની તેમજ આ બાળકો પાસે ભીખ મંગાવતા હોવાની સ્ફોટક કબુલાત કરતા પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસે પકડેલા ત્રણેય બાળકોના માતા-પિતાની શોધખોળ આદરી છે. જેમાં ત્રણ પૈકી બે બાળકોના માતા પિતાની જાણકારી મળી જતા પોલીસ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution