ચૂંટણી અને લગ્નસરાની સીઝન ખીલતા દૈનિક ૧૫૦૦ કિલો ફુલનો વેપાર
27, નવેમ્બર 2022

રાજકોટ, ગત બે વર્ષ દરમિયાન કોરોના મહામારીની તબક્કાવાર ત્રણ લહેર આવતા વેવિશાળ, લગ્ન કે ધાર્મિક ઉજવણી કરવામાં તો આવી, પણ સંયમ સાથે. ક્યાંક નિયત સંખ્યા તો ક્યાંક આર્થિક સંકડામણ કારણભૂત રહી. હવે જ્યારે બધી જ માર્કેટ ખુલ્લી છે, વેપાર ધંધા નિયમિત થયા છે, આવકનો સ્ત્રોત વધ્યો તેને કારણે આર્થિક સ્થિરતા આવતા લોકોના મન ખુલ્યા છે.તેમાંય ચૂંટણી અને લગ્નસરાની સીઝન પૂર બહાર ખીલતા ભર શિયાળે ફૂલ બજારમાં ગરમીનો માહોલ જાેવા મળી રહ્યો છે. જેમાં વિદેશી ફૂલનાં બુકેની ડિમાન્ડમાં ખૂબ વધારો થયો છે. તેની સાથે ભાવમાં ખાસ્સો ઉછાળો આવવા છતાં આવા ફૂલ ખરીદવા લોકોની લાઈનો લાગી રહી છે. જેને લઈ હાલ વેપારીઓમાં ખુશીનો માહોલ છવાઇ રહ્યો છે.

ફૂલ બજારનાં વેપારીઓનાં જણાવ્યા મુજબ, હાલમાં એકતરફ લગ્નગાળો અને બીજીતરફ ચૂંટણીને કારણે સામાન્ય દિવસો કરતા ફુલોના વેંચાણમાં મોટો વધારો નોંધાયો છે. રાજકોટની ફુલ બજારમાં રૂ. ૪૦ થી લઈ રૂ. ૨૦૦૦નાં કિલો સુધીના ફૂલ વેચાય છે. સામાન્ય દિવસોમાં દરરોજ ૨૦૦ થી ૫૦૦ કિલો ફુલનો વેપાર થાય છે. જ્યારે ચૂંટણી અને લગ્ન ગાળાના લીધે હાલ ૧૫૦૦ થી ૨૦૦૦ કિલો ફૂલ વેંચાઈ રહ્યા છે. ભાવમાં ખાસ્સો વધારો થયો હોવા છતાં લોકો ફૂલ ખરીદવા તૈયાર છે.

વધુમાં તેઓએ કહ્યું કે, રનિંગ ગુલાબ અને ગલગોટા સહિત હાલ ડચ ગુલાબ, જરબરા, એંથોરિયમ સહિત વિવિધ ફુલો ધૂમ મચાવી રહ્યા છે. બોટમ ઇન્ડિયા, સન ઓફ ઇન્ડિયા સહિતની ફૂલની નવી વેરાઈટીઓ લોકો અને નેતાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. લગ્નમાં તો રનિંગ ફૂલો વેંચાય છે. પણ ચૂંટણીમાં ખાસ કરીને ડચ ગુલાબ, ગુલાબ અને ડોલરના હારની સાથે જ વિદેશી ફૂલના બુકે ખુબજ વેચાય છે. ચૂંટણી તો થોડા દિવસ બાદ પૂર્ણ થઈ જશે. પરંતુ લગ્નગાળો લાંબો ચાલે તેમ હોવાથી આવનારા એકાદ મહિના સુધી ફૂલોની માંગમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution