વોશ્ગિટંન-

જર્મન ઓટોઉત્પાદક ડેમલર એજીને અમેરિકામાં પ્રદૂષણ કાયદાના ભંગ બદલ 2.2 અબજ ડોલર (રૂ.16.13 હજાર કરોડ)નો દંડ ફટકારવામાં આવ્યો છે. હકીકતમાં કંપનીએ લગભગ 2.50 લાખ અમેરિકન ડીઝલ કાર અને વાનમાં પ્રતિબંધિત સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો. આ સોફ્ટવેરથી નિર્ધારિત ઉત્સર્જન મર્યાદા કરતાં વધુ પ્રદૂષણ ઉત્સર્જન કરવામાં મદદ મળે છે, જે અમેરિકાના પ્રદૂષણ કાયદાની વિરુદ્ધ છે. ડેમલર પહેલાં ફોક્સવેગન અને ફિયાટ જેવી કંપનીઓને પણ પ્રદૂષણ કાયદા તોડવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

કંપની પેનલ્ટી તરીકે અમેરિકન ઓથોરિટીને સેટલમેન્ટ કરીને 1.5 અબજ ડોલર (આશરે રૂ. 11,000 કરોડ) ચૂકવશે. આ સિવાય કંપની 2.50 લાખ વાહનોને રિપેર કરવા માટે કારમાલિકોને કુલ 700 મિલિયન ડોલર (રૂ. 5.13 હજાર કરોડ) આપવા માટે પણ સહમત થઈ છે. આમાં ડેમલર રિપેર કરેલા દરેક વાહન માટે લગભગ 3,290 મિલિયન ડોલર (રૂ. 2.41 લાખ) ચૂકવશે.

કંપનીએ વાહનમાલિકોના વકીલો માટે ફી અને ખર્ચ નહીં ભરવાની વાત કરી છે. આ ખર્ચ લગભગ 83.4 મિલિયન ડોલર (રૂ. 612 કરોડ) છે. આ અંગે ડેપ્યુટી એટર્ની જનરલ જેફ રોગને કહ્યું હતું કે ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ અથવા અન્ય કંપની કે જે અમેરિકાના પ્રદૂષણ કાયદાનું ઉલ્લંઘન કરે છે તેને ભારે દંડ અને સજા માટે તૈયાર થવું જાેઈએ. સેટલમેન્ટમાં ક્લીન એર એક્ટ હેઠળ 875 મિલિયન ડોલર (રૂ.6.42 હજાર કરોડ)ની સિવિલ પેનલ્ટી લગાવવામાં આવી છે. આ સિવાય પ્રદૂષણ ફેલાવતાં વાહનોના રિપેરિંગ અને વધુ ઉત્સર્જન માટે કંપની પર 546 મિલિયન ડોલર (રૂ.4 હજાર કરોડ)નો દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રદૂષણ કાયદાના ભંગ બદલ કંપની કેલિફોર્નિયા રાજ્યને 285.6 મિલિયન ડોલર (રૂ. 2 હજાર કરોડ) આપશે.