દિલ્હી-

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં અનુસૂચિત જાતિને લઈ ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે. રવિશંકર પ્રસાદે ઈસ્લામ કે ઈસાઈ ધર્મમાં સામેલ થનારા દલિતોને આરક્ષણનો લાભ નહીં મળે તેમ જણાવ્યું છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આવા લોકો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત બેઠક પરથી સંસદીય કે વિધાનસભાની ચૂંટણી નહીં લડી શકે. ભારતીય જનતા પાર્ટીના સદસ્ય જીવીએલ નરસિમ્હા રાવે કાયદા મંત્રીને અન્ય ધર્મોને લઈ સવાલ કર્યો હતો. તેના જવાબમાં પ્રસાદે કહ્યું કે, જે લોકોએ હિંદુ, શીખ અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે તે અનુસૂચિત જાતિઓ માટે આરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સાથે જ આ ધર્મમાં સામેલ થનારા લોકોને આરક્ષણનો લાભ પણ મળશે. રવિશંકર પ્રસાદે આરક્ષિત બંધારણીય ક્ષેત્રોમાંથી ચૂંટણી લડવાના માપદંડો અંગે પણ વાત કરી હતી.

કાયદા મંત્રીએ બંધારણ (અનુસૂચિત જાતિ)ના ત્રીજા ફકરાનો હવાલો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, તેના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જાે હિંદુ, શીખ કે બૌદ્ધ સિવાયના કોઈ ધર્મનો દાવો કરે તો તેને અનુસૂચિત જાતિનો સદસ્ય નહીં માનવામાં આવે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે, પ્રતિનિધિત્વ કાયદામાં કોઈ પણ સંશોધનને લઈ પ્રસ્તાવ નથી લવાયેલો.

૨૦૧૫માં કોર્ટે કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ એક વખત હિંદુ ધર્મ છોડીને ઈસાઈ બની જાય તો સામાજીક અને આર્થિક મુશ્કેલીઓ સામે આવે છે. આ સંજાેગોમાં તેને કોઈ સુરક્ષા આપવાની જરૂર નથી કારણ કે, હવે તે અનુસૂચિત જાતિથી સંબંધ નથી રાખતી. સાથે જ પ્રસાદે સ્પષ્ટ કરી દીધું છે કે, ઈસ્લામ અને ઈસાઈ ધર્મ પસંદ કરનારા દલિતો અને હિંદુ બનનારા દલિતોમાં તફાવત સ્પષ્ટ છે.