ATMમાંથી પૈસા ઉપાડતી ગેંગના 4 શખ્સોની દમણ પોલીસે ધરપકડ કરી
06, નવેમ્બર 2020

દમણ-

ATM કાર્ડ કે, પિન નંબર ચોર્યા વિના જ અન્ય ગ્રાહકના એટીએમનો ક્લોન બનાવી રૂપિયા ઉપાડી લેતી ગેંગનો દમણ પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરતથી ઝડપાયેલા આ ગેંગના ચાર શખ્સોએ બિહારના ગયામાં 50,000 રૂપિયા ખર્ચીને આ ખાસ ટ્રેનિંગ લીધી હતી. દમણ પોલીસે ચારેય આરોપીઓને ઝડપી તેમની પાસેથી ATM કાર્ડ, ખાસ પ્રકારનું સ્કીમર મશીન, મોબાઈલ, બાઇક, ઝવેરાત મળી કુલ 3,84,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં અંદાજીત 200 જેટલા બેન્ક ગ્રાહકો સાથે છેતરપીંડી કરી હોવાની વિગતો જાણવા મળી. આ અંગે દમણ DIGP વિક્રમજીત સિંહે પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી કે, નાની દમણ પોલીસ મથકમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનું ATM કાર્ડ તેમની પાસે જ હોવા છતાં કોઈ અજાણ્યા શખ્સે સુરતમાં તેનું ક્લોન ATM કાર્ડ બનાવી HDFC બેન્કના ખાતામાંથી 7500 રૂપિયા ઉપાડી લીધા છે. આવી બીજી ફરિયાદ પણ દમણ પોલીસને મળતા પોલીસ ઇન્સ્પેક્ટર સોહિલ જીવાણીની ટીમને આરોપીઓને ઝડપી પાડવા તપાસ સોંપી હતી.

પોલીસે આ ચોર ટોળકીમાં સુભાષકુમાર ઉર્ફે શિવશંકર, સુરજ કુમાર ઉર્ફે રાજુ, પ્રેમશંકર ઉર્ફે રાજેશ, શિવપૂજન રમેશ શર્મા તમામ મૂળ બિહારના ગયા જિલ્લાના વતનીઓની ધરપકડ કરી તેમની પાસેથી મિનિડેક્સ 3, મેગ્નેટિક કાર્ડ રિડર એન્ડ રાઇટર (સ્કીમર મશીન), 39 બ્લેન્ક ATM કાર્ડ, 12 મોબાઈલ, એક મોટરસાયકલ, 1,44,900 રોકડ રૂપિયા, 47,900નું ઝવેરાત મળી કુલ 3,844,600 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ દમણ સિવાય વાપી, સુરતમાં અલગ-અલગ બેન્કના ATM માં આ તસ્કરીને અંજામ આપી અંદાજિત 200 જેટલા ગ્રાહકોને છેતર્યા હોવાનું બહાર આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution