વડોદરા : એશિયાની સૌથી જૂની અન્યોન્ય કો.ઓપરેટિવ બેન્કનું ઉઠમણું થયા બાદ છેલ્લાં કેટલાંક સમયથી જિલ્લા રજિસ્ટ્રારના ફડચા અધિકારી તરીકે એ.વી.ડામોરની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ તેઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતાં રાજ્ય સરકારના સહકાર વિભાગે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. 

વડોદરાની અન્યોન્ય કો.ઓપરેટિવ બેનકની રૂા.૧.૭પ કરોડની ડિપોઝિટનો વિવાદ થયો હતો. આ સમગ્ર બાબતમાં ફડચા અધિકારી એ.વી.ડામોરની ભૂમિકા વિવાદાસ્પદ રહી હતી. રૂા.૧.૭૫ કરોડની ડિપોઝિટની રકમ માટે બોગસ ખાતું ખોલાવી કોઈ ભેજાબાજે મુંબઈની ખાનગી પેઢીમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

આ બાબતે પ્રાથમિક તપાસમાં પંજાબ નેશનલ બેન્ક દિવાળીપુરા શાખા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા કારેલીબાગ શાખાના જવાબદાર અધિકારી-કર્મચારીઓ તેમજ અન્યોન્ય કો.ઓપ. બેન્કના અધિકારી-કર્મચારીઓની સંડોવણી હોવાનું જણાઈ આવ્યું હતું તેમજ ફડચા અધિકારી એ.વી.ડામોરની નિષ્કાળજીના કારણે બેન્કને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું, જે બાબતને ધ્યાનમાં રાખીને અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલે, સહકાર ભારતીના ગુજરાત પ્રમુખ વિનોદભાઈ, સંગઠનમંત્રી જીવણભાઈ ગોબે અને બેનકના પૂર્વ અધ્યક્ષ પ્રતાપરાવ ભોઈટેએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરી હતી કે, બેન્કના ફડચા અધિકારીની નિષ્કાળજીના કારણે આર્થિક નુકસાન થયું છે અને ફડચા અધિકારીની વિવાદાસ્પદ ભૂમિકા પણ રહી છે.

મુખ્યમંત્રી સમક્ષ થયેલ રજૂઆત બાદ સહકાર વિભાગે હુકમ જારી કરીને તાત્કાલિક અસરથી બેન્કના ફડચા અધિકારી એ.વી.ડામોરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, સાથે ફરજમોકૂફી દરમિયાન મુખ્યમથક જિલ્લા રજિસ્ટ્રાર કચેરી કચ્છ-ભૂજ રહેશે તેમ પણ હુકમમાં જણાવ્યું છે.

હેરિટેજ સહકારી સંસ્થા અન્યોન્ય બેન્કને પુનર્જિવિત કરવા માગ

એશિયાની સૌ પ્રથમ એવી અન્યોન્ય કો.ઓપ. બેન્ક પાછલાં ૧૦ વર્ષથી ફડચામાં ગઈ છે. ૩૦ હજાર કરતાં વધુ સભાસદો ધરાવતી આ સંસ્થાને પુનર્જિવિત કરવાની માગ સાથે અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલેએ થોડાં સમય પૂર્વે જ ફડચા અધિકારીની બેદરકારીના કારણે ઉપડી ગયેલ રૂા.૧.૭પ કરોડ બાબતે પગલાં ભરવા અને ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી ફડચામાં ગયેલા બેન્કના નાણાકીય વ્યવહારોની સમીક્ષા કરવા પણ માગ કરી હતી.