ડાંગ-

ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી ૧૧ જેટલી નેરોગેજ ટ્રેનો, જે છેલ્લા ઘણા સમયથી ખોટમાં દોડી રહી હતી, તેને બંધ કરવાનો ર્નિણય કર્યો હતો. આ ર્નિણયને લઈને ડાંગ જિલ્લાના વેપારી મંડળમાં નારાજગી જાેવા મળી હતી. સાથે જ નવસારી અને ડાંગ જિલ્લાને જાેડતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન બંધ થતા લોકો નારાજ થયા હતા અને ટ્રેન બંધ ન કરવા મામલે લડત આપી હતી. ત્યારે તેમની આ લડતનો સુખદ અંત આવ્યો છે. નવસારી અને ડાંગ જિલ્લા માટે સારા સમાચાર એ છે કે, વઘઈ બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ નહિ થાય. રેલ મંત્રાલયે ચર્ચગેટના જનરલ મેનેજરને પત્ર લખી આ માહિતી આપી છે. પશ્ચિમ રેલવે વિભાગમાં આવતી ૧૧ ટ્રેન પૈકી ગુજરાતની ૩ ટ્રેનો બંધ નહિ થાય. બીલીમોરા-વઘઈ નેરોગેજ તેમજ મીંયાગામ-માલસર અને કોરડા-મોટીકોરલ ટ્રેનો બંધ નહિ થાય તેવો ર્નિણય લેવાયો છે.

છેલ્લા ઘણા સમયથી ખોટ કરતી નેરોગેજ ટ્રેનોને બંધ કરવાનો ર્નિણયને લઈને ડાંગ જિલ્લાના વેપારી મંડળમાં ભારે નારાજગી જાેવા મળી હતી. નવસારીમાં પણ રેલવે સંઘર્ષ સમિતિએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હવે નેરોગેજ બંધ નહિ રહે તેવા સમાચારથી ડાંગ અને નવસારીના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ડાંગ જિલ્લાના તેમજ નવસારી જિલ્લાના અંતરીયાળ વિસ્તારના આદિવાસીઓ માટે જીવાદોરી સમાન ટ્રેન હોય સાથે આ ટ્રેનમાં બેસીને લોકો સુરત, વાપી, ભરૂચ સહિતના વિસ્તારોમાં રોજીરોટી તેમજ વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અર્થે પણ અવર જવર કરતા હોય છે. ત્યારે ઐતિહાસિક ટ્રેન બંધ ન થાય એ તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી હતી. ગુજરાતમાં એક તરફ કરોડોના ખર્ચે બૂલેટ ટ્રેન દોડવવાની તૈયારી થતી હોય, ત્યારે ઐતિહાસિક ધરોહર એવી આ નેરોગેજ ટ્રેનને પ્રવાસન વિભાગને સુપરત કરી ચાલુ રાખવામાં આવે તો લોકોને સુવિધા પણ મળી રહેશે અને સરકારને થતી ખોટ પણ પૂરાઈ શકે છે.