ડાંગ-

ગિરિમથક સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ ઉપર ગત્ત 7 નવેમ્બરે સવારે શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ સંરક્ષણ દીવાલની એંગલ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. જે અંગે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક રવીરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ LCB સહિત પોલીસની ટીમે હાથ ધરેલી તપાસમાં મૃતક યુવાન ઉમરપાડા પાસેના ટુંડીનો રહેવાસી અને ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ડાંગ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા સાપુતારા સનરાઈઝ પોઈન્ટ પાસે આવેલા સીસીટીવી કેમેરામાં 7 નવેમ્બરે મળસ્કે પસાર થયેલી પ્રવાસી કાર દેખાતા હત્યાની આશંકા સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી.

ગિરિમથક સાપુતારા ખાતેના સનરાઈઝ પોઈન્ટ પર 7 નવેમ્બરે અજાણ્યા ઇસમનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો. આ કેસમાં ડાંગ પોલીસે લૂંટના ઇરાદે ડ્રાઇવરની હત્યા કરવામાં આવી હોવાની સંભાવના સાથે 2 ઇસમોની શંકાના આધારે અટકાયત કરી છે. જ્યારે આ કેસની અન્ય સાગરીત યુવતીની પણ શોધખોળ હાથ ધરતા અકસ્માતે મોતની ઘટનામાં નવો વળાંક આવ્યો છે.