વડોદરા, તા.૩

ધમર્પ્રિય નગરી વડોદરાના આંગણે ચૈત્રી નવરાત્રિ માતાજીના ઉત્સવ બાદ જ્ઞાન અને ભક્તિરસની ગંગા વહી રહી છે ત્યારે શહેરના વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિર લોયાધામ સંચાલિત સત્સંગી જીવનકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું રસપાન પ.પૂ.શ્રી દર્શનવલ્લભદાસજી સ્વામી કરાવી રહ્યા છે.

આ કથાના રસપાન દરમિયાન વક્તા પ.પૂ.શ્રી દર્શનવલ્લભદાસજીએ કથામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાગણોને સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્ર સાથે ભક્તોને અપીલ કરી પ્રતિજ્ઞા લેવડાવી હતી. જેમાં ઘર, સોસાયટી, શહેર, રાજ્ય અને ભારત દેશને સ્વચ્છ રાખીશું. આ વ્યાસપીઠ પર થયેલા આહ્‌વાનને હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભકતો, શ્રદ્ધાળુઓએ તાળીઓથી અભિવાદન કરી પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. આ કથા અંતર્ગત સ્વામીનારાયણ ભગવાન ગુરુપુર પધાર્યા તેનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે સમાજશ્રેષ્ઠી રાજદ્વારીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.