બસના ડ્રાઈવરેયુનિ.ની વિદ્યાર્થિનીને અડફેટમાં લઈ કચડી નાખતાં મોત
10, માર્ચ 2022

વડોદરા, તા.૯

એમ.એસ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં એમએસસીના છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી સુરતની વતની અને હાલ શહેરમાં રાજપૂત છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીને વિટકોસ બસના ચાલકે બસડેપોમાં જ પાછળથી અડફેટમાં લઈ કચડી નાખી હતી. ગંભીર ઈજાઓને કારણે છાત્રાનું ટૂંકી સારવાર વેળા મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ સયાજીગંજ પોલીસ મથકને કરાતાં પોલીસે સીટીબસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધી ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ ચકચારી બનાવની વિગત એવી છે કે મૂળ સુરતના આમરોલી જૂના કોસાડ રોડ સ્થિત શિવાયનગરમાં રહેતી શિવાની રણજિતસિંહ સોલંકી (ઉં.વ.રપ) વડોદરાની એમ.એસ. યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં એમએમસીના છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી હતી. તેણીનું છેલ્લું સેમિસ્ટર બાકી હતું અને ત્રણ મહિનામાં તેણીનો એમએસસીનો અભ્યાસ પૂર્ણ થવાનો હતો.

વિદ્યાર્થિની શિવાની સોલંકી શહેરમાં રાજપૂત છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી હતી. તેણીની ગત તા.૪ માર્ચના રોજ વતન સુરત ગઈ હતી. બે-ત્રણ દિવસ વતન માતા-પિતા, ભાઈ-બહેન સાથે રોકાયા બાદ તેણીની ૮મી માર્ચના રોજ પરત વડોદરા આવવા માટે તેના પિતા રણજિતસિંહ સોલંકીએ પુત્રીને ટ્રેનમાં બેસાડી વડોદરા મોકલી આપી હતી. તેણીની મોડી સાંજે ટ્રેન દ્વારા સ્ટેશન ઉતરીને રાજપૂત છાત્રાલય જવા માટે વિટકોસની સીટીબસ ડેપોમાં આવી હતી, જ્યાં તેણીની ચાલતી આવતી હતી તે સમયે સીટીબસના ડ્રાઈવર જયેશ પ્રભુદાસ પરમારે પાછળથી અડફેટમાં લીધી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને ૧૦૮ મારફત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તેણીનું ટૂંકી સારવાર વેળા મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ સયાજીગંજ પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ડ્રાઈવર જયેશ પરમાર (રહે. ગોત્રી અંબિકાનગર)ની પરપકડ કરી હતી. સીટીબસ સંચાલકોએ ડ્રાઈવરને નોકરીમાં હાંકી કાઢયો હતો.

સિટી બસચાલક સામે લોકોમાં રોષ

સુરતના અમરોલી ખાતે ૬૦, શિવનગરની રહેવાસી ૨૪ વર્ષીય શિવાની રણજિતસિંહ સોલંકી એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી હતી અને એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ કેમિસ્ટ્રીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. મંગળવારે બપોરે શિવાની સિટી બસ ડેપોમાં જઇ રહી હતી. એ દરમિયાન પાછળથી આવેલી બસ એના પર ચડી ગઈ હતી, જેમાં શિવાની ગંભીર રીતે ઇજા પામતાં તુરંત જ તેને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સેન્ટ્રલ એસટી ડેપો સ્થિત જનમહલ સિટી બસ ડેપોમાં બનેલી આ ઘટનાએ ડેપોના મુસાફરોમાં અરેરાટી ફેલાવી દીધી હતી અને સિટી બસચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

બે ભાઈ વચ્ચે એકની એક બહેન હતી

વડોદરા પહોંચેલા પરિવારે શિવાનીના મોતના સમાચાર સાંભળતાં વજ્રઘાત સમો આંચકો અનુભવ્યો હતો. મોતને ભેટેલી શિવાનીના પિતા સુરતમાં હીરા ઘસવાની કંપનીમાં કામ કરે છે અને દીકરી શિવાનીને અભ્યાસ માટે વડોદરા મોકલી હતી. શિવાની ચાર દિવસ પહેલાં સુરત પરિવારને મળવા માટે ગઇ હતી અને મંગળવારે બપોરે ટ્રેનમાં વડોદરા આવવા માટે નીકળી હતી. દરમિયાન ૪ વાગ્યાના સુમારે તે વડોદરા રેલવે સ્ટેશન પહોંચી હતી અને સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાંથી જન મહેલ સિટી બસ ડેપોમાં થઇ ચાલતા બહાર નીકળી રહી હતી. તે દરમિયાન આ કરુણ ઘટના બની હતી. શિવાની બે ભાઇ વચ્ચે એકની એક બહેન હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution