રહસ્યમય સંજાેગોમાં વિદ્યાર્થી ટેરેસ પરથી પટકાતા મોત
27, ડિસેમ્બર 2020

વડોદરા : ગત રાત્રિ દરમિયાન પ્રતાપગંજ એમ.એસ.યુનિ.ના ક્વાર્ટર્સમાં ચાલી રહેલ ક્રિસમસની ઉજવણી દરમિયાન આણંદથી આવેલો અને ઉચ્ચ અભ્યાસ કરતો વિદ્યાર્થી રહસ્યમય સંજાેગોમાં ટેરેસ પરથી નીચે પટકાતાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે આ બનાવ હત્યા કે આત્મહત્યાનો પણ હોઈ શકે છે એવી શક્યતાના આધારે એ દિશામાં તપાસ લંબાવી છે. નાતાલ પર્વ ક્રિસમસમાં મિત્રોને મળવા આણંદથી વડોદરા આવેલ પીએચડીનો વિદ્યાર્થી ટેરેસ પરથી પડી જતાં તે મોતને ભેટયો હતો. ફોન આવતાં તે વાત કરતો હતો તે દરમિયાન અચાનક ટેરેસ પરથી પટકાયો હતો. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. 

એમ.એસ.યુનિવર્સિટીના પ્રતાપગંજ ક્વાર્ટર્સમાં રહેતા અભિષેક શર્માને મળવા તેનો મિત્ર આણંદથી હિતેશ યાદવ આવ્યો હતો. પીએચડી કરી રહેલો હિતેશ યાદવ મિત્રો સાથે ક્રિસમસનું સેલિબ્રેશન કરતો હતો, તે સમય દરમિયાન ફોન આવતાં હિતેશ યાદવ ટેરેસ પર ગયો હતો, જ્યાંથી નીચે પટકાતાં મિત્રો દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસ દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવતાં મૃતક હિતેશના પરિવારજનો તત્કાળ આણંદથી વડોદરા દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરી પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આ ઘટના અંગે સયાજીગંજ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જાે કે, વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે કે કેમ? તે દિશામાં પણ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. આ બનાવને વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મુકી હતી.સગાંસંબંધીઓ, મિત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદમાં અભ્યાસ કરતો હિતેશ યાદવ મૂળ ચાંદખેડા-અમદાવાદ રહેતો હતો. વડોદરામાં રહેતી એની બહેનના જન્મદિનના કારણે શહેરમાં આવ્યો હતો. ત્યાર બાદ મિત્ર અભિષેક શર્માને ત્યાં ક્રિસમસની ઉજવણી કરવા ગયો હતો, જ્યાં ફોન આવતાં એ ટેરેસ ઉપર ગયો હતો. પોલીસે એના કોલ ડિટેઈલની પણ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution