૧૫૨નાં મોત : ૯૫૪ પોઝિટિવ કેસ નોંધાયા
11, મે 2021

વડોદરા : છેલ્લા દોઢ બે મહિનાથી સતત વધી રહેલા કેસોમાં ત્રણ દિવસથી ઘટાડો થતાં તંત્રે રાહત અનુભવી છે. સેકન્ડ વેવમાં પીક પર પહોંચ્યા બાદ હવે કોરોનાનું જાેર ઘટી રહ્યાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. વિતેલા ર૪ કલાકમાં કોરોના અને શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેલા ૧૫૨ લોકોના મોત થયા છે. જાે કે, તંત્રના જણાવ્યા મુજબ વધુ ૧૦ મોત સાથે અત્યાર સુધી સત્તાવાર મૃત્યુઆંક ૪૮૦ થયો છે. આજે સતત ત્રીજા દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા ઘટીને ૯૫૪ થઈ છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

કોરોનાના કહેર થી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયુ છે. છેલ્લા બે મહિનાથી કોરોનાની સેકન્ડ વેવમાં વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો છે જાે કે, શુક્રવારે ૯૮૯ પોઝિટિવ કેસ નોંધાયા બાદ શનિવારથી તેમાં ઘટાડો થયો છે. શનિવારે પોઝિટિવ કેસોની સંખ્યા ૯૭૫ નોંધાઈ હતી. જ્યારે રવિવારે બીજા દિવસે ઘટાડા બાદ આજે સતત ત્રીજા દિવસે પોઝિટિવ કેસોની સંખ્યામાં ધટાડો થતા તંત્રએ રાહત અનુભવી હતી. વિતેલા ર૪ કલાકમાં કોરોના તેમજ શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેલા ૧૫૨ લોકોનાં મોત થયાં છે.

જાે કે, તંત્ર દ્વારા વધુ ૧૦ મોત સાથે અત્યાર સુધી વડોદરા શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૪૮૦ થયો હોવાનું જણાવ્યું હતું. વડોદરા શહેર જિલ્લામાં વિતેલા ર૪ કલાકમાં કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવેલા ૧૦,૦૪૯ સેમ્પલો પૈકી ૯૫૪ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ૯૦૯૫ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે આજે એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧૦,૧૫૧ થઈ છે. જે પૈકી ૫૬૭ ઓક્સિજન સપોર્ટ પર અને ૩૫૫ દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે, જ્યારે ૯૨૨૯ સ્ટેબલ છે.

શહેર જિલ્લામાં આજે વધુ ૭૫૯ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં ૪૨૭૬૯ ને રજા આપવામાં આવી છે. જ્યારે ૯૭૩૨ દર્દીઓ હાલ હોમ કવોરન્ટાઈન છે. પોઝિટિવ આવેલા કુલ દર્દીઓ પૈકી સૌથી વધુ ૧૮,૮૨૩ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના છે, જ્યારે શહેરના પૂર્વ ઝોનમાં ૭૬૨૯ , પશ્ચિમ ઝોનમાં ૮૮૨૬, ઉત્તર ઝોનમાં ૯૨૨૫ અને દક્ષિણ ઝોનમાં ૮૮૬૧ કેસ નોંધાયા છે અને ૩૬ કેસ જિલ્લા કે રાજ્ય બહારના છે.

ધન્વંતરિ આરોગ્ય રથના માધ્યમથી પાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરાઈ રહેલા આરોગ્ય સર્વેમાં આજે પર (બાવન) તાવના અને ૧૯૫ શરદી, ખાંસીના દર્દીઓ જણાઈ આવતાં સ્થળ પર જરૂરી દવાઓ આપવામાં આી હતી. આમ બે દિવસથી પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતાં કોરોનાનું જાેર ઘટી રહ્યાનું મનાઈ રહ્યું છે.સેકન્ડ વેવમાં પીક પર પહોંચેલા કોરોનાના કહેર વચ્ચે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ૧૧,૦૦૦ ઉપર પહોંચી હતી, સાથે ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા પણ વધી હતી. જાે કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘટીને ૯૮૩૦ થઈ છે, જ્યારે કુલ ૧૪૨૨૧ બેડ પૈકી ૪૩૯૧ વેકન્ટ હોવાનું તંત્રે જણાવ્યું હતું. જાે કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા હજુ ઘટે નહીં ત્યાં સુધી કોરોનાથી રાહત મળી છે તેમ કહી શકાય નહીં.

એચસીજી હોસ્પિટલમાં વેક્સિન ખૂટી પડતાં રસીકરણ માટે આવેલાઓ અટવાયા

વડોદરા, તા.૧૦

કોરોનાના હાહાકાર વચ્ચે કોરોના સુરક્ષાકવચ સમાન કોરોનાની વેક્સિન લેવા માટે હાલ યુવાનોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે, પરંતુ પાલિકાતંત્રના મીસમેનેજમેન્ટના કારણે ઘણા લોકો વેક્સિન લેવામાં અટવાઈ રહ્યા છે. જેનો આજે વધુ એક કિસ્સો તાંદલજા રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલ એચસીજી હોસ્પિટલમાં પ્રકાશમાં આવ્યો હતો. આજે આ હોસ્પિટલ ખાતે વેક્સિન ખૂટી પડતાં વેક્સિન લેવા માટે આવેલા લોકો અટવાયા હતા અને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહ્યા બાદ પરત જવાનો વારો આવતાં લોકોમાં છૂપારોષની લાગણી વ્યાપી ગઈ હતી.

બીજી તરફ રાજ્ય સરકારમાંથી વેક્સિનનો પૂરતા પ્રમાણમાં જથ્થો આવતો ન હોવાને કારણે હાલ પાંચ હજારથી વધુ લોકોને વેક્સિન આપી શકાતી નથી. મોટી સંખ્યામાં યુવાધન વેક્સિન લેવા માટે ઈચ્છુક છે પરંતુ પોર્ટલ પર ઘણી વખત રજિસ્ટ્રેશનના ધાંધિયા થતા હોઈ લોકો સરળતાથી વેક્સિન લઈ શકતા નથી, જેથી રસીકરણ સેન્ટરો પર અવારનવાર લોકો અટવાઈ પડવાના બનાવો બની રહ્યા છે.

કોયલી પીએચસી સેન્ટર ખાતે કોવિડ રસી લેવા લોકટોળાં ઉમટયાં

વડોદરા ઃ હાલ કોવિડની રસીકરણ અભિયાનમાં આજે કોયલી ગામે પીએચસી ખાતે રસી આપવામાં આવતી હોવાથી આ પીએચસી સેન્ટર પર લોકો ઉમટી પડયા હતા. લોકટોળાને કારણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડયા હતા, સાથે કોરોના સંક્રમિત થવાની શક્યતા પણ રહેલી જાેવા મળી હતી. જાે કે, ફરજ પરના કર્મચારી સ્ટાફને પણ લોકટોળાને કાબૂમાં લેવા મુશ્કેલી ઊભી થઈ હતી.

૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને મળતા કોલ્સમાં ઘટાડો

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ,જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે વોર રૂમ અને ઇન્ટેલિજન્ટ રેફરલ સિસ્ટમની કામગીરી ની સમીક્ષા કરી હતી. તેમણે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના ટ્રેન્ડ ની પણ સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા થોડા દિવસ થી ૧૦૮ની સેવાને મળતા દૈનિક કોલ્સમાં ઘટાડો જાેવા મળ્યો છે.

આજે ૨૧૫ હોસ્પિ.ને રેમડેસિવિરના ૧૦૩૫ ડોઝ ફાળવાયા

નોડલ અધિકારીઓ ની દેખરેખ હેઠળ કોવિડ ના દર્દીઓની સારવારમાં ઉપયોગી રેમદેસીવિર ઇન્જેક્શન ની માન્ય ખાનગી હોસ્પિટલો ને ફાળવણી કરવામાં આવી રહી છે.આ અંગે જાણકારી આપતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી અને નોડલ અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું કે આજે ૨૧૫ હોસ્પિટલો ને ૧૦૩૫ ડોઝ ફાળવવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં કુલ ૪૯૫૩૬ ડોઝ ફાળવી દેવાયા છે.

મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે અલાયદા વોર્ડ અને ટાસ્ક ફોર્સની રચના કરાઈ

વડોદરા ઃ જીવલેણ કોરોનાની સાથે સાથે મ્યુકોરમાઈકોસિસ નામના ગંભીર રોગે પણ માથું ઊંચકયું છે અને આ રોગ કોરોનાની સારવાર લઈ ચૂકેલી વ્યક્તિઓમાં વધુ જાેવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી રાજ્યના આરોગ્ય વિભાગના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે આ રોગની સારવાર માટે સમગ્ર રાજ્યની સરકારી હોસ્પિટલોમાં અલાયદો વોર્ડ બનાવવા માટે સૂચનાના આધારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં પણ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ દાખલ હોઈ તેની સારવાર માટે અલાયદા વોર્ડ માટે હોસ્પિટલના સુપ્રિ. ડો. રંજન ઐયરે આ મામલે ઉચ્ચ તબીબી અધિકારીઓની બેઠક બોલાવી હતી જેમાં હાલના ઈએનટી વિભાગના વોર્ડ નં.૧૯ને મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યો છે. આ સાથે વોર્ડના મેનેજમેન્ટ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે જેમાં પ્રોફેસર કક્ષાના તજજ્ઞ તબીબોની નિમણૂક પણ કરવામાં આવી છે. જેમાં નોડલ અધિકારી તરીકે મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. રૂપલ દોશીની નિમણૂક કરાઈ છે. એ સિવાયના તબીબો સારવાર અને અન્ય સદસ્યો વહીવટીતંત્રની દેખરેખ રાખવાની રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution