અમદાવાદ-

ગુજરાતમાં અનલોક 5 અને દિવાળીના તહેવારો બાદ કોરોનાએ ફરીથી માથું ઉંચકતા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ નો અમલ શરુ કરાયો હતો. જેમાં ગત 23મી નવેમ્બરથી 7મી ડિસેમ્બર સુધી કર્ફ્યૂ અમલમાં મુકાયો હતો.ત્યારે આજે રાજ્યના ગૃહવિભાગે રાત્રી કર્ફ્યૂને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે રાત્રી કર્ફ્યૂ આજથી નવુ નોટીફિકેશન ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે. આ સંદર્ભમાં અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યુ છે. જેમાં રાત્રીના નવથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. ખાસ કરીને હવે 31મી ડિસેમ્બર નવા વર્ષની ઉજવણીમાં લોકો રસ્તા પર ન આવે અને હોટલો, ફાર્મ હાઉસમાં પાર્ટીઓ ન યોજાઇ તે માટે 31મી ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ લંબાઇ શકે તેવી પુરેપુરી શક્યતા છે. બીજી તરફ સુત્રોએ જણાવ્યું છે કે હવે માત્ર ચાર મહાનગરો નહીં પણ મહેસાણા, સુરેન્દ્રનગર, ભૂજ, નવસારી જેવા શહેરોમાં પણ વધી રહેલા કોરોનાના કેસની સંખ્યાને જોતા અહીં કર્ફ્યૂનો અમલ થઇ શકે છે. જો કે આ માટે હાલ રાજ્યનું ગૃહ વિભાગ વિચારણા કરી રહ્યું છે. આમ આગામી દિવસોમાં રાજ્ય સરકાર કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે અનેક આકરા પગલા લઇ શકે તેમ છે.