ગાંધીનગર-

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જીવલેણ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે આજે ગુજરાતમાં નાટ્યાત્મક રીતે નવા પોઝિટિવ કેસોની સંખ્યા ઘટી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૧૬૯ નવા દર્દીઓ મળી આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧,૫૨,૭૬૫ પર પહોંચી ચૂકી છે. 

સ્વાસ્થ્ય વિભાગ તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ૨૪ કલાકમાં વધુ ૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે બાદ રાજ્યમાં કોરોના મૃતકોની સંખ્યા વધીને ૩૫૭૭ પર પહોંચી ચૂકી છે. આ સિવાય છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૪૨ લોકો સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સાથે જ રાજ્યોમાં કોરોનાને માત આપનારા લોકોની સંખ્યા વધીને ૧,૩૩,૭૫૨ પર પહોંચી ગઈ છે. હાલ ગુજરાતમાં કોરોનાના કુલ ૧૫,૪૩૬ એક્ટિવ કેસ છે.

જો રાજ્યમાં નવા સામે આવેલા કેસની વિગતો જોઈએ તો, સુરતમાં સ્થિતિ સૌથી ખરાબ જોવા મળી રહી છે. સુરત શહેરમાં ૧૭૧ અને જિલ્લામાં ૮૩ મળી ૨૫૪ કેસ સામે આવ્યાં છે. જ્યારે ૩ લોકોના મરણ નોંધાયા છે. આજ રીતે અમદાવાદમાં ૧૮૪, વડોદરામાં ૧૨૮, રાજકોટમાં ૧૨૨ અને જામનગરમાં ૮૯ જેટલા નવા કેસ સામે આવ્યાં છે. આ સિવાય મહેસાણામાં ૨૫, કચ્છમાં ૨૪, પંચમહાલમાં ૨૪, અમરેલી-બનાસકાંઠા અને સાબરકાંઠામાં ૨૧-૨૧ કેસો નોંધાયા છે. જ્યારે મોરબીમાં ૨૦ અને ભરૂચ-સુરેન્દ્રનગરમાં ૧૯-૧૯ કેસ સામે આવ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કુલ ૫૦,૯૭૯ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યાં. જે રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા પ્રતિદિન ૭૮૪.૨૯ ટેસ્ટ પ્રતિ મિલિયન થવા પામે છે. ગઈકાલે કરેલા ટેસ્ટિંગમાં કુલ ૧૧૬૯ નવા કેસ સામે આવ્યાં છે. કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે સરકારે જાણે અક્સીર દવા શોધી કાઢી છે. કોરોના ટેસ્ટની સંખ્યા ઓછી કરી નાંખો, તો પોઝિટિવ કેસ આપોઆપ ઘટી જશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી કુલ ૫૦,૬૩,૬૮૪ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી ચૂક્યાં છે.