વડોદરા : આર્થિક દેવાના ડુંગર નીચે દબાયેલા અને લેભાગુ જ્યોતિષીઓના ચુંગાલમાં ફસાયેલા સમા વિસ્તારના સોની પરિવારે સામૂહિક આપઘાતના ચકચારી બનાવમાં આજે વધુ એક પપ વર્ષીય મહિલાનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન શનિવારે મોત નીપજ્યું હતું. આ સાથે સોની પરિવારમાં મૃત્યુઆંક ચાર થયો હતો. જાે કે, પુત્રવધૂની પણ હાલત નાજુક હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેવામાં આવ્યો હતો.

શહેરના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ સોનીને ધંધામાં આર્થિક નુકસાન જતાં તેઓ જ્યોતિષીઓની ચુંગાલમાં ફસાઈ ગયા હતા. લેભાગુ કેટલાક જ્યોતિષીઓએ નરેન્દ્રભાઈ સોનીને અલગ અલગ પ્રકારનું નડતર હોવાનું જણાવી દોષ દૂર કરવાના બહાને રૂા.૩ર.રપ લાખ ખંખેરી લીધા હતા. જેના લીધે નરેન્દ્રભાઈ સોની આર્થિક દેવાના ડુંગર નીચે આવી જતાં તેમને પોતાની પત્ની દીપ્તિબેન, પુત્ર ભાવિન અને તેની પત્ની ઉર્વશી અને પૌત્રી રિયા અને માસૂમ પૌત્ર પાર્થ સહિત પરિવારના સભ્યો સાથે સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય કરી કોલ્ડડ્રિંક્સમાં પેસ્ટસાઈઝની ઝેરી દવા મિલાવી સમગ્ર પરિવારને પીવડાવી હતી. સોની પરિવારના છ સભ્યોએ ઝેરી દવા ગટગટાવ્યા બાદ નરેન્દ્રભાઈ સોની, પૌત્રી રિયા, પૌત્ર પાર્થનું ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે પુત્ર ભાવિન સોની અને તેની પત્ની ઉર્વશી અને નરેન્દ્રભાઈના પત્ની દીપ્તિબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સારવાર દરમિયાન નરેન્દ્રભાઈ સોનીના પત્ની દીપ્તિબેન સોનીનું મોત નીપજ્યું હતું. આ સાથે સોની પરિવારના સામૂહિક આપઘાતના બનાવમાં મૃત્યુઆંક વધીને ચાર થયો હતો.

૯ ઠગ જ્યોતિષોને શોધવા અમદાવાદ-રાજસ્થાનમાં તપાસ

સોની પરિવાર પાસેથી વાસ્તુદોષ દુર કરવાના બહાને તેમજ તેમના ઘરમાં તાંત્રિક વિધિઓ કરીને ૩૨ લાખથી વધુ નાણાં ખંખેરી લેનાર ૯ જ્યોતિષો-તાંત્રિકો વિરુધ્ધ સમા પોલીસે ગુનો નોંધ્યો છે. આ તમામ ૯ આરોપીઓ વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનના છે અને તેઓના પુરા નામ પણ સોની પરિવારના બચી ગયેલા પુત્રને ખબર નથી. આ જ્યોતિષોના મોબાઈલ નંબરોના આધારે તેઓના પુરા નામ સરનામા મેળવી તેમજ તેઓની ધરપકડ કરવા માટે સમા પોલીસની બે ટીમોએ ટેકનીકલ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પોલીસની બે ટીમો પૈકી એક ટીમે અમદાવાદમાં તપાસ શરૂ કરી છે અને ત્યાંથી રાજસ્થાનના પુષ્કરમાં પણ આ જ ટીમને ઠગ જ્યોતિષ-તાંત્રિકોને શોધવા માટે રવાના કરવામાં આવશે.

નરેન્દ્રભાઇ ગુજરાત સ્ટોર્સમાંથી જંતુનાશક દવા ખરીદીને લાવ્યા હતા

ભાવિન સોનીના નિવેદનના આધારે ૩ માર્ચના રોજ સવારે ૧૧-૩૦ કલાકે નરેન્દ્રભાઇ સોની ખંડેરાવ માર્કેટ ગયા હતા અને ત્યાંથી ગુજરાત સ્ટોર્સમાંથી જંતુનાશક દવા ખરીદીને લાવ્યા હતા. જ્યારે ભાવિન સોની પોતાના ઘર નજીક આવેલ સૌરાષ્ટ્ર પાન મસાલામાંથી પેપ્સી અને મિરીન્ડા લઇ આવ્યો હતો. બપોરે ૨ કલાકે નરેન્દ્રભાઇ સોનીએ દીકરી રીયા પાસે સુસાઇડ નોટ લખાવી હતી. તે બાદ પિતાએ પરિવારને જંતુનાશક દવા ભેળવેલ પેપ્સી અને મિરીન્ડા બધાને પીવડાવી દીધી હતી. જેમાં એક જ પરિવારના ૩ સભ્યોના મોત થયા હતા અને આજે સારવાર દરમિયાન વધુ એક નરેન્દ્રભાઈ સોનીના પત્નીનું મોત થયું છે.