અમેરિકા કરતા પણ કોવિડ-19 ટેસ્ટમાં દિલ્હી આગળ, CM કેજરીવાલનો દાવો
19, ડિસેમ્બર 2020

દિલ્હી -

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જણાવ્યું કે, રાજ્યમાં કોવિડ 19ની ત્રીજી વેવ સમાપ્ત થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. દિલ્હીમાં આજે પ્રતિદિવસ લગભગ 90,000 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ દેશમાં સૌથી વધુ છે. 

કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં સમગ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ સમસ્યા સર્જાઈ હતી અને દિલ્હીએ તેનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા થોડા દિવસોથી કોરોનાની ત્રીજી લહેર અહીં ચાલી રહી હતી. લાગે છે કે દિલ્હીવાસીઓએ મળીને કોરોનાની ત્રીજી લહેર પર કાબૂ મેળવી લીધો છે. દિલ્હી સરકારે સૌથી વધુ ટેસ્ટ કરવા પર ભાર આપ્યો હતો અને દિલ્હીમાં દૈનિક 90,000 ટેસ્ટ થઈ રહ્યા છે. અમેરિકામાં પ્રતિ 10 લાખની વસતી પર 4,300 ટેસ્ટ થઈ રહ્યા છે અને દિલ્હીમાં આ આંકડો 4,500 છે. 

ન્યૂયોર્કમાં એક દિવસમાં 6,300 કેસ સામે આવ્યા હતા અને હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ હતો. બીજીતરફ દિલ્હીમાં 8,600 કેસ આવ્યા હોવા છતાં કોઈજ અફરાતફરી જોવા મળી નહતી. તે દિવસે દિલ્હીમાં 7,000 બેડ ખાલી હતી. આ દિલ્હીના શ્રેષ્ઠ બેડ મેનેજમેન્ટનું પરિણામ છે. 

 કેજરીવાલે તમામ કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તમામ ધાર્મિક, સામાજિક અને સરકારી સંસ્થાનો પણ સહયોગ માટે આભાર માન્યો હતો. જો કે હજી સુધી કોરોનાની અસરકારક રસી આવી ના હોવાથી લડાઈ હજુ પૂર્ણ નહીં થઈ હોવાનું જણાવ્યું છે. લોકોએ પહેલાની જેમ જ સાવચેતી રાખવી પડશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution