08, ઓગ્સ્ટ 2021
વડોદરા : પક્ષના આકાઓ નારાજ થવાની બીક રાખ્યા વગર લોકહિતમાં પક્ષની શિસ્ત ફગાવી ખરેખરું સુણાવી દેવા માટે જાણીતા ભરૂચના આખાબોલા સાંસદ મનસુખ વસાવાએ આજે ભરચક સંસદગૃહમાં વડોદરાને ‘એઈમ્સ’ ફાળવવાની માગણી ઉઠાવી વડોદરાની પાંગળી અને મતદારોની જરૂરિયાત કરતાં આકાઓની આમન્યાને મહત્ત્વ આપતી વડોદરાની સ્થાનિક નેતાગીરીને એક સણસણતો તમાચો માર્યો હતો.
હાલ વર્તમાનમાં સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતની ભરૂચ લોકસભા બેઠકના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વડોદરામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઆઇઆઇએમએસ)ની સ્થાપનાને સરકાર મંજૂરી આપે એવી માંગ કરી હતી. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનનો સ્વાસ્થ્ય સુરક્ષાનો મુખ્ય ઉદ્દેશ સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓમાં અસંતુલન સુધારવાનો તથા ગુણવત્તાપૂર્ણ સારવારમાં વૃદ્ધિ કરવાનો છે. ગુજરાતમાં ભરૂચ નજીક વડોદરા એઆઇઆઇએમએસ (એઈમ્સ)ની સ્થાપના માટેનું સારું સ્થળ છે. અહીંયાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના લોકોની સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો પોતાની સારવાર માટે અવારનવાર આવતા હોય છે. પરંતુ એઆઇઆઇએમએસ (એઈમ્સ) જેવી સારવાર સેવાઓના અભાવના કારણે લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. જેથી સરકારને મારો આગ્રહ છે કે વડોદરામાં એઆઇઆઇએમએસ (એઈમ્સ)ની સ્થાપના માટે તુરંત મંજૂરી મળવી જાેઈએ.
ભાજપના આખાબોલા સાંસદ મનસુખ વસાવા હંમેશાં અન્યાય સામે અવાજ ઉઠાવે જ છે. પોતાના મત વિસ્તાર સહિત ગરીબ અને જરૂરિયાતમંદોના પ્રશ્નો પછી ભલેને એ સરકાર વિરુદ્ધ હોય પણ તેઓ એ પ્રશ્નો સરકાર સમક્ષ મુકવામાં બિલકુલ ગભરાતા નથી. મનસુખ વસાવાએ જે પણ રજૂઆત સરકાર સમક્ષ કરી હોય એમાંથી મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ સરકારે કર્યું પણ છે. હાલમાં જ આદિવાસીઓના ખોટા સર્ટિફિકેટ લઈ સરકારી લાભો લેતા હોવાનો મુદ્દો એમણે ઉઠાવ્યો હતો. બાદમાં સરકારે પણ એક કમિટી બનાવી આદિવાસીઓના ખોટા સર્ટિફિકેટ બાબતે કાર્યવાહી હાથ ધરી હતી. હવે મનસુખ વસાવાએ વડોદરામાં એઆઇઆઇએમએસ (એઈમ્સ)ની સ્થાપના થવી જાેઈએ એ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી વડોદરાને ‘એઈમ્સ’ ફાળવવાની માગણી સ્થાનિક નેતાગરી દ્વારા કરાતી હતી, પરંતુ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર માત્ર સૌરાષ્ટ્રને જ બધી બાબતોમાં ઘી-કેળાં કરાવવાની નીતિ આ નિર્ણય વખતે પણ અપનાવાઈ હતી તથા વડોદરા બધી રીતે યોગ્ય હોવા છતાં જાન્યુઆરી, ૨૦૧૯માં કેન્દ્ર સરકારે રાજકોટને ‘એઈમ્સ’ ફાળવી દીધાની જાહેરાત કરી હતી.
વડોદરા અને સમગ્ર મધ્ય ગુજરાતને હંમેશાં અન્યાય કરી સૌરાષ્ટ્રને જ તમામ બાબતોના લાભ કરાવવામાં આવતા હોવાથી લાગણી અને રોષ વ્યાપ્યો છે. સરકારમાં મંત્રીપદ હોય કે કોઈ જાહેરહિતની વિશાળ યોજના હોય, મધ્ય ગુજરાતને સાવકા સંતાનની જેમ અન્યાય કરાય છે. આ જ બાબત ‘એઈમ્સ’ની બાબતમાં પણ ૨૦૧૯માં સાબિત થઈ હતી. પરંતુ ત્યારે પણ વડોદરાના સાંસદ સહિત તમામ રાજકીય અગ્રણીઓ અદબપલાંઠી વાળી મોઢા પર આંગળી રાખી બાલમંદિરના વિદ્યાર્થીઓની જેમ પક્ષે થોપેલી શિસ્ત પાળીને બેઠા રહ્યા હતા. પરંતુ આજે ભરૂચના સાંસદ વડોદરાની આ વાજબી માગણીનો અવાજ ઉઠાવી સ્થાનિક નેતાગીરીને સણસણતો તમાચો ઠોકી દીધો હતો.