સનદી અધિકારીઓ સામે સીબીઆઇ તપાસની માગ
24, સપ્ટેમ્બર 2020

ભરૂચ : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં જીઆઈડીસી માટે ૧૨૦૦ એકર જમીન સંપાદન કરવાની કાર્યવાહીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે રાજ્યના માજી મંત્રી ખુમાનસિંહ વાંસિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી રૂપાણી સહિત તમામ ઉચ્ચસ્તરે લેખિત ફરિયાદ આપી જીઆઈડીસીના એમ.ડી. એમ.થેન્નારસન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ તથા ભરૂચ જીઆઈડીસીના જમીન સંપાદન ડે. કલેકટર યાસ્મીન શેખ સહિતના સરકારી અધિકારીઓના વ્હાઈટ કોલર ક્રાઈમ અને સીબીઆઈ તપાસની માગણી કરતાં સમગ્ર સરકારી તંત્રમાં હડકંપ મચ્યો છે. ઉપરોક્ત સનદી અધિકારીઓના આશીર્વાદથી ભૂમાફિયાઓએ પટાવી, ફોસલાવી, ધાક-ધમકી આપી ભરૂચ જિલ્લા બહારના તેમના મળતિયા ખેડૂતોના નામે દસ્તાવેજ કરી અંદાજે રૂા.૬૦૦ કરોડનું મસમોટું કૌભાંડ કર્યાની માજી મંત્રીની આ લેખિત ફરિયાદથી સનસનાટી મચી ગઈ છે. તેમણે આ પત્ર દ્વારા તમામ ઉચ્ચસ્તરે માગણી કરી છે કે, આવા ભ્રષ્ટ અધિકારીઓની ધરપકડ કરી સીબીઆઈ દ્વારા છેડા સુધીની સઘન તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટ સનદી અધિકારીઓના આ વ્હાઈટ કોલર ક્રાઈમ સામે સરકારે ઉદાહરણ બેસે એવા સખ્તાઈથી કડકમાં કડક પગલાં ભરવાં જાેઈએ એવી અમારી માગણી છે. 

 ભરૂચ-નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ કન્વીનર તેમજ માજીમંત્રી ખુમાનસિંહ વાંસિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત દસ લોકોને લેખિતમાં એવી રજૂઆત છે કે, ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ત્રણ ગામોની જમીન સંપાદનની પ્રક્રિયામાં ઐતિહાસિક મસમોટું કૌભાંડ થતાં ગરીબ ખેડૂતોનો ભોગ લેવાઈ ગયો છે. ગુજરાત રાજ્યની ૧૯૬૦માં સ્થાપના બાદ રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની ચાવીરૂપ ભૂમિકા રહી છે. જે જીઆઈડીસીએ સને-૨૦૧૯ સુધી પારદર્શક જમીન સંપાદનથી તેનાથી નબળા, દેવાદાર, અશિક્ષિત ખેડૂતોને ન્યાયપૂર્વક યોગ્ય વળતર મળતું હતું. હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સને-૨૦૦૧થી ૨૦૧૪ સુધીના સમયગાળામાં તેઓ લોકપ્રિય ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા ઔદ્યોગિક વિકાસે હરણફાળ ભરી એ જગજાહેર છે. પરંતુ સને-૨૦૨૦માં વાગરા તાલુકાના અંભેલ, પખાજણ અને લીમડી ગામોની ૧૬૦૦ એકર જમીન સંપાદન પ્રક્રિયામાં ૧૨૦૦ એકર જમીન મૂળ ખેડૂત ખાતેદારોને સમજાવી, પટાવી, ફોસલાવી ઉપરાંત ધાક-ધમકીથી નજીવા ભાવે દસ્તાવેજો લખાવીને તેનાથી સંતોષ ન થતાં જીઆઈડીસીએ જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડીને એમડી એમ.થેન્નારસનના સીધા મળતિયાઓને પહેલા જ મોટી રકમનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. ત્યાર બાદ વળતર ચૂકવવાનું અટકાવીને મોટાભાગના આદિવાસી ખેડૂત ખાતેદારો કે જેઓ ગરીબ, અભણ, લાચાર તેમજ દિશાશૂન્ય નિઃસહાય લોકોને સમજાવીને, પ્રલોભન આપી છેતરપિંડી કરીને કાયદાની છટકબારીઓના ઓથા હેઠળ દસ્તાવેજો લખાવી લેવાની અત્યંત ભ્રષ્ટ ઘટનામાં ઉચ્ચ સનદી અધિકારીઓના ભ્રષ્ટાચારથી ગરીબ ખેડૂતોનો ભોગ લેવાયો છે.  વધુમાં વાંસિયાએ જણાવેલ છે કે, જીઆઈડીસીના એમડી એમ થેન્નારશન, ઉદ્યોગ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસના ભ્રષ્ટ વહીવટને કારણે સરકારી અધિકારીઓના સ્વાંગમાં વ્હાઇટ કોલર ક્રાઈમ પ્રવૃત્તિને કદી માફ ન કરાય. તેમની સાથે ભરૂચ જીઆઈડીસીના જમીન સંપાદન ડેપ્યુટી કલેકટર યાસ્મીન શેખ દ્વારા ૧૬૦૦ એકરમાંથી ૧૨૦૦ એકર જમીન ભૂમાફિયા પ્રવૃત્તિથી જિલ્લા બહારના બોગસ ખેડૂતોના ખાતામાં પૈસા ગયા છે, તેણે ભરૂચ જિલ્લો કેવો છે એ હજુ જોયો નથી. ત્રણેય અધિકારીઓએ હદ વટાવતાં જાહેરનામા બહાર પાડ્યા બાદ અગિયાર જેટલા આદિવાસી (મોતને ભેટેલા સહિત) ખેડૂતોની લગભગ ૫૦ એકર જમીન કાયદાની આંટીઘૂટીથી દસ્તાવેજો કરાવી લીધા હતા. આવા અધિકારીની કાયદાની દાદાગીરી સામે આમ પ્રજામાં ભારે આક્રોશ ઉગ્ર બન્યો છે. આખા કૌભાંડી પ્રકરણમાં ત્રણેય અધિકારીઓને કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરવાની માગણી કરતા ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. જોવું રહ્યું કે આ કૌભાંડની ઊંડી તપાસ થાય છે કે નહિ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution