વડોદરા : જીએસટી કાયદા હેઠળ નોંધણી નંબર રદ થયા હોય તેવા વેપારીઓના કેસમાં મુશ્કેલીઓ પડી રહી છે. જેથી રદ થયેલા નોંધણી નંબરો કેન્દ્ર સરકારના પરિપત્ર અનુસાર ત્વરિત પુનઃ સ્થાપિત કરવાની માગ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવી છે. 

આ સંદર્ભે વડોદરા સંયુક્ત રાજ્યવેરા કમિશનર વિભાગ-પ, ૬ અને સીજીએસટીના ચીફ કમિશનરને પત્ર લખી કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીની સમસ્યાને કારણે કેન્દ્ર સરકારના નાણા વિભાગના રપ-૬ના ઓર્ડર અન્વયે જીએસટી કાયદા હેઠળ જે વેપારીઓના પત્રક કસૂરદારને કારણે નોંધણી નંબર રદ કરવામાં આવેલ હોય તેવા વેપારીઓ તા.૩૦-૯ સુધીમાં તમામ પત્રકો-વેરો-વ્યાજ અને રાહતદરે નિયત થયેલ લેટ ફી ભરવાની બાંયેધરી સાથે નોંધણી નંબર રિવોકેશન માટેની અરજી કરે તો તેવા વેપારીઓના નોંધણી તનંબર સંબંધિત અધિકારીઓએ પુનઃ સ્થાપિત કરી આપવાના હોય છે.

પરંતુ અનેક કેસોમાં નોંધણી નંબર રિવોકેશન માટેની અરજી કરેલ હોવા છતાં આજદિન સુધી આવા વેપારીઓના નોંધણી નંબર પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવેલ નથી, જેથી હવે તા.૩૦-૯ની મુદતને માત્ર ૧૨ દિવસ જેટલો સમય બાકી રહેલ હોવાથી નોંધણી પુનઃ સ્થાપિત થાય તે માટે જરૂરી સૂચના આપવા માગ કરી છે.