ભરૂચ,ભરૂચ સબજેલ પાસે સંતોષી વસાહત પાસે રમતગમતના ગ્રાઉન્ડ પર સબજેલ દ્વારા જાહેર નોટિસનું બોર્ડ મારતા તેને હટાવવાની માંગ સાથે સ્થાનિક આગેવાનો સલીમ અમદાવાદી તેમજ શમશાદઅલી સૈયદની આગેવાનીમાં ક્રિકેટ પ્રેમી યુવાનો તેમજ સ્થાનિક રહીશો સાથે રહીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિક આગેવાન સલીમ અમદાવાદી જણાવ્યું હતું કે ભરૂચ સબજેલ દવારા સંતોષી વસાહત પાસે આવેલ રમતગમતની જગ્યાએ જાહેર નોટીસ બોર્ડ મારવામાં આવેલ છે, જે ખોટી રીતે તેમજ કાયદા વિરૂધ્ધ છે. જાહેર હેતુ માટેના પ્લોટ કાયમ માટે ખુલ્લા રાખવાના હોઈ છે. આ જગ્યામાં જે બોર્ડ મારવામાં આવેલ છે, તે દુર કરાવી ટી.પી. સ્કીમ હેઠળ જે હેતુ માટે જમીન મળેલ છે તે મુજબનું બોર્ડ બૌડા કચેરી , મારફતે મારવામાં આવે તથા આ જગ્યાની ફરતે બૌડા કચેરી દ્વારા કમ્પાઉન્ડ ફેન્સીંગ કરી જાહેર હેતુ માટે ઉપયોગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 પશ્ચિમ વિસ્તારમાં આવેલું આ એક માત્ર મોટું રમતગમત કે ધાર્મિક, સામાજિક કાર્યક્રમો માટેનું એકમાત્ર મેદાન હોય આ મેદાન ઉપર કોઈપણ જાતનું દબાણ કે અન્ય સંસ્થા દ્વારા કબજાે થાય તે યોગ્ય નથી. જેથી આ મેદાનને મેદાન જ રાખવાની અપીલ જિલ્લા કેલકટર ડૉ.એમ.ડી. મોડીયા સમક્ષ કરવામાં આવી હતી. ૨૦૦૪ થી આ મેદાન સ્થાનિક સત્તામંડળની ટી.પી.સ્કીમ-૩ માં સામેલ હોય ત્યારબાદ બૌડા અસ્તિત્વમાં આવતા નિયમ મુજબ માલિકી હોય તો જેલ પ્રસાશન પોતાનો હક કેવી રીતે જમાવી શકે. જેલ પ્રસાશન ખોટી રીતે જગ્યા ઉપર કબજાે જમાવવા માંગતી હોય તો જિલ્લા કેલકટર આ બાબતે ઊંડી તપાસ કરી ગેરકાયદેસર કબજાે જમાવવા બદલ કાયદેસરની કરીવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. વર્ષ ૨૦૧૩માં ભરૂચ પોલીસ પ્રસાશન દ્વારા પણ માલિકીનો હક હોવાની માંગ કરી હતી ત્યારે બૌડા કચેરીએ આ બાબતે ચોખવટ કરીને પોલીસ પ્રસાશનને જણાવ્યું હતું કે આ ફક્ત બૌડાની માલિકીની જગ્યા છે. જેથી તે સમયે ભરૂચ પોલીસ પ્રસાશનનો આ મેદાન મેળવવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. તો હવે અચાનક જેલ પ્રસાશન પોતાની માલિકીનો હક કેવી રીતે જમાવી શકે તે તપાસનો વિષય છે.