વડોદરા : સમા-મંગલ પાંડે રોડ પર માનવ ઈન્ફ્રાસ્ટ્રકચરના બિલ્ડર દ્વારા અગોરા મોલના બાંધકામમાં વિશ્વામિત્રી નદીના પટમાં કોતરની સરકારી જમીનમાં ૮ મીટર ઊંચી, પાંચ મીટર પહોળી અને પ૦૦ મીટર લાંબી દીવાલનું ગેરકાયદે બાંધકામ તોડી પાડી બિલ્ડર સામે પગલાં ભરવાની માગ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના નેતાએ કરી છે.

આજે પાલિકાની મુખ્ય કચેરી ખાતે વિપક્ષના નેતા અમીબેન રાવતે આવેદનપત્ર આપી કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, તેમને ગેરકાયદે દીવાલનું બાંધકામ દૂર કરવાની માગણી અંગે કોર્પોેરેશનની એફોર્ડેબલ હાઉસિંગ શાખા દ્વારા તેમને પત્ર પાઠવીને આપેલા પ્રત્યુત્તરમાં જણાવ્યું છે કે, સમા-સંજયનગર ખાતે ૪૪૦૧૦ ચો.મી. જગ્યા પર સરકારની લોકભાગીદારી યોજનાની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી છે. આ ઉપરાંતની વધારાની સરકારી જમીન સંદર્ભે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ બિલ્ડર સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

જાે કે, લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી અંગેનું કાર્યક્ષેત્ર કોર્પોરેશન હસ્તક નથી, કલેકટરનું હોવાથી ત્યાં રજૂઆત કરવા જણાવ્યું છે. જેથી કોંગ્રેસના નેતાએ દીવાલ તોડવાની માગ સાથે મેયર અને કમિશનરને રજૂઆત કરી છે અને તેમાં જણાવ્યું છે કે, સરકારી જમીન પર પાલિકા દ્વરાા વધારાના ગેરકાયદેસર જગ્યા પરના દબાણ સંબંધે આ કાર્યક્ષેત્ર પાલિકાનું નથી, પરંતુ કલેકટરનું છે તેવો પત્ર લખે છે, જે યોગ્ય નથી. વડોદરા કલેકટર દ્વારા આ ગેરકાયદે રીતે સરકારી જમીનના બાંધકામ અંગે વિવિધ ખાતાઓની તપાસ કલેકટર દ્વારા નીમાયેલા ખાસ કમિટીઓ દ્વારા ઘનિષ્ઠ તપાસ બાબત આખરી અહેવાલ રજૂ કરેલ છે જે તા.૧૮-૬-૨૦૨૦ના રોજ કમિશનરને આ અંગે દબાણ અંગેની ઉચિત કાર્યવાહી કરવા કહ્યું છે.

હવે વડોદરા પાલિકા દ્વારા અને કલેકટર દ્વારા લેખિતમાં સ્વીકાર કર્યો છે કે સંજયનગર-સમા ખાતેની યોજનામાં બિલ્ડર આશિષ શાહ દ્વારા વિશ્વામિત્રી નદીની સરકારી કોતરની જમીનમાં ગેરકાયદે દીવાલ બાંધેલ છે. તેમણે કોર્પોેરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના પત્રને વિરોધાભાસી ગણાવી ગેરકાયદે સરકારી જમીનમાં બાંધેલી દીવાલને તોડી પાડવા અને ત્યાર બાદ લેન્ડગ્રેબિં એક્ટ મુજબ કાર્યવાહી કલેકટરે કરવાની થાય છે.