ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે રાજ્યના વિવિધ જ્ઞાતિસમાજાે દ્વારા સમાજને અન્યાય થયાની રજૂઆતો સરકાર સુધી પહોંચાડી રહ્યાં છે. આ સંજાેગોમાં ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશન દ્વારા પણ આજે ૨૦ ટકા અનામત સહિત ચાર માંગણીઓ સાથે રાજ્યના પાટનગર ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. જાે આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ અપાઈ છે. ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી વર્ષ આવે ત્યારે ત્યારે રાજનીતિ સાથે જ્ઞાતિવાદનો મુદ્દો પણ ઊખલીને પણ સામે આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ છ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે થોડા દિવસો અગાઉ રાજ્યના ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે, ઠાકોર અને કોળી સમાજને ગુજરાચમાં વસ્તી પ્રમાણે ૨૦ ટકા જેટલી અનામત આપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. જાે કે, આ બાબતે રાજ્ય સરકાર તરફથી સકારાત્મક અભિગમ નહીં અપનાવવામાં આવ્યો ન હતો. જેના કારણે આજે ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશનના નેજાં હેઠળ બન્ને સમાજ દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશનના અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું કે, ગુજરાત રાજ્યમાં ઠાકોર અને કોળી સમાજની વસ્તી ૪૦ % છે. આઝાદીના ૭૦ વર્ષ પછી પણ સમાજની આર્થિક સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિમાં કોઇ સુધારો થઈ શક્યો નથી. આ સમાજ જાેડે વેપાર ધંધા નોકરી કે રોજગાર ના કોઈ સ્રોત ન હોવાથી આજે સમસ્ત ઠાકોર અને કોળી સમાજ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર કરી રહ્યો છે. અગ્રણીઓએ વધુમાં જણાવ્યુ હતું કે, છેલ્લા ઘણા સમયથી સમસ્ત ઠાકોર અને કોળી સમાજ પોતાની માંગણીને લઇ સરકાર સમક્ષ રજૂઆત કરી ન્યાયની માંગ કરી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે સમસ્ત ઠાકોર અને કોળી સમાજે એકતા મિશન આજે ધરણાં ઉપર બેઠા છે. જેમાં અમારી મુખ્ય ચાર માગણીઓ છે. જે મુજબ ઠાકોર અને કોળી સમાજને વસતીના ધોરણે અનામત મળે અથવા ૨૦ ટકા અનામત મળે. બીજી માંગણી છે ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં ૧૫૦૦ કરોડની ગ્રાન્ટ મળે, દરેક જિલ્લામાં આદર્શ નિવાસી શાળા અને હોસ્ટેલ બને, જાતિ આધારિત વસતિ ગણતરી થાય તેવી માંગ છે. જાે આગળના સમયમાં માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.