વડોદરા, તા.૪ 

કોરોના વાઈરસની મહામારીમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો પાછો ખેંચવા તેમજ સ્કૂલ-કોલેજાની ફી, વીજબિલ, મિલકત વેરો માફ કરવાની માગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દેખાવો કર્યા હતા. અમિતનગર સર્કલ સહિત વિવિધ વિસ્તારોમાં દેખાવો કરી રહેલા કેટલાક કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોરોના વાઈરસની મહામારીમાં લોકોની હાલત કફોડી બની છે તેવામાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હાલ લોકોના ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે અનેક લોકોએ નોકરી ગુમાવી દીધી છે ત્યારે સ્કૂલ-કોલેજાની ફી, વીજબિલ, વેરા માફ કરવાની માગ સાથે શહેર કોંગ્રેસ દ્વારા છેલ્લાં કેટલાંક દિવસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. હવે કોંગ્રેસે આંદોલનને પ્રજાની વચ્ચે લઈ જવાની શરૂઆત કરી છે. 

આજે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ શહેરના દાંડિયા બજાર, માંજલપુર, વાઘોડિયા રોડ, જૂના પાદરા રોડ સહિત વિવિધ વિસ્તારોમાં પ્લેકાર્ડ સાથે સ્કૂલ-કોલેજાની ફી, મિલકત વેરો, વીજબિલ માફ કરવા, પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો પાછો ખેંચવા સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજ્યા હતા. અમિતનગર સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેખાવોના યોજેલા કાર્યક્રમમાં પોલીસે જાહેરનામાના ભંગ બદલ ઋત્વિજ જાશી સહિત કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

બે - ત્રણ વોર્ડના કાર્યકરો, અગ્રણીઓ એકઠા થઈ વિવિધ વિસ્તારોમાં દેખાવો યોજવાની સાથે ટોલ ફ્રી નંબર જાહેર કરીને મિસ્ડકોલ દ્વારા લોકોનું સરકાર પાસેની માગણીનું સમર્થન પણ લેવામાં આવ્યું હતું. આ સંદભે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, મહામારીમાં આર્થિકો મોરચે લડી રહેલી પ્રજા પર અનેક પ્રકારના ટેક્સ અને પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો જનતાના માથે ઠોકી અસંવેદનશીલ સરકારે પ્રજાને રાહત આપવાની જગ્યાએ જનતાની કમર પડી રહી છે. આર્થિક પેકેજાની મોટી મોટી જાહેરાતો કર્યા બાદ કોઈ મદદ સરકારે કરી નથી તેવો આક્ષેપ કર્યો હતો.