વડોદરા,તા.૨૯  

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવવધારાને લઈને રાવપુરા ખાતે ઉગ્ર દેખાવો યોજવામાં આવ્યા હતા.જે દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાનના પૂતળાનું દહન કરવા જતા અને દેખાવો યોજતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.કોંગ્રેસે પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની ઉગ્ર માગ પણ કરી છે.તેમજ ક્રૂડના વૈશ્વિક ભાવ ઘટાડાનો લાભ પ્રજાને આપવામાં આવે એમ આવેદનમાં જણાવ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં શહેર હોદ્દેદાર, પ્રદેશ હોદ્દેદાર, કોર્પોરેટરો, સેલ-ફન્ટલના પ્રમુખો, વોર્ડ પ્રમુખો તથા કોંગ્રેસી કાર્યકરોની હાજરીમાં ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી લુંટ ચલાવવામાં આવે છે જેને લઈને કેન્દ્રીય પેટ્રોલીયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને ફાંસીના માચડે ચડાવીને તેમના પુતળાને સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો સાથે કોંગ્રેસના કાર્યકરોએ “પેટ્રોલ-ડીઝલ ના ભાવે રડાવી દીધા” તેવા ચહેરા પર માસ્ક પહેર્યા હતા.“પેટ્રોલ ડિઝલકી મહેંગાઈને લોગોંકો આત્મનિર્ભર બના દિયા ” તેવું ગાડીનું કટઆઉટ ચાલતા લઇ જઈ વિરોધ પ્રદશન કર્યું હતું.ત્યારબાદ કલેકટર મારફતે રાજ્યપાલને આવેદન પત્ર આપ્યું હતું. પોલીસ ધ્વારા મિતેશ ઠાકોર, અજય સાટીયા, દેવાંગ ઠાકોર, પૂર્વેશ બોરોલે, જૈમીન ચૌહાણ, દિનેશ માછી, મીતેશ પરમારની અટકાયત કરવામાં આવી હતી. શહેર ર્પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે લોકડાઉનના છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં તેમજ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્‌યૂટીમાં વારંવાર અને ગેરવ્યાજબી વધારાથી ભારતની પ્રજા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. દેશ જ્યારે અભૂતપૂર્વ આરોગ્યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે, મોદી સરકાર, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તેમજ એક્સાઈઝ ડ્‌યૂટીમાં વારંવાર વધારો કરીને પ્રજાની હાડમારીમાંથી નફાખોરી કરી રહી છે. મોદી સરકાર દ્વારા ભારતની પ્રજા પાસેથી કરવામાં આવી રહેલી લૂંટ બહુ ઉઘાડી છે આ સંજોગોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને જી.એસ.ટી.ના દાયરામાં લાવવા માગ કરી છે. હાલ કોરોના કાળમા લોકડાઉનના લીધે ભારતના લોકોની આર્થિક પરિસ્થિતી નબળી પડી ગઈ છે અને મોદી સરકારના નીતિ નિયમો આધારિત દેશમાં પેટ્રોલ ડીજલ ના ભાવ દરરોજ વધી રહ્યા છે.

જેના લીધે પ્રજા ઉપર બે તરફા માર પડી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ-યુપીએ સરકાર સત્તા ઉપર હતી ત્યારે ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૧૦૮ અમેરીકી ડોલર હતો. જે ૨૪મી જૂન, ૨૦૨૦ ના રોજ ઘટીને પ્રતિ બેરલ ૪૩.૪૧ અમેરીકી ડોલર થઈ ગયો છે એટલે કે, તેના ભાવમાં ૬૦% જેટલો ઘટાડો થયો છે. આમ છતાં, ભાજપ સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતીંગ વધારો કર્યો છે. જેથી તાત્કાલિક પેટ્રોલ અને ડીજલ ને જી.એસ.ટી. માં લાવવા અને આ લાભ આ કપરાં સમયમાં ભારતના પ્રજાજનોને આપવા માગ કરી છે.

જિલ્લા કોંગ્રેસ દ્વારા સાધલીમાં દેખાવો

વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કરજણ વિધાનસભાના શિનોર સાધલી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના પ્રમુખ સાગર કોકોની આગેવાનીમાં કાર્યકરોએ ભેગા થઈ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સાધલી બજારમાં ચક્કાજામ કર્યો હતો. પોલીસે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાગર કોકો, ઉપેન્દ્રસિંહ ગોહિલ, મુબારક પટેલ, હિતેશ દેસાઈ, નીલાબેન ઉપાધ્યાય, કિરીટ સિંહ જાડેજા, અભિષેક ઉપાધ્યાય, ભરતભાઈ અમીન, ભુપેન્દ્રભાઈ પટેલ, નેહાબેન પટેલ, જીમીત ઠાકર, ભૌમિક પટેલ, જયેન્દ્રસિંહ પરમાર, નૂર મોહમદ, સિદીકભાઈ વોનીયોવાલા સહિતના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી