અમિત ચાવડાના નિવેદન પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પલટવાર, જાણો શું કહ્યું..
16, ઓગ્સ્ટ 2021

અમદાવાદ-

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે અત્યારથી તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત આજથી ભાજપ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં 'જન આશીર્વાદ યાત્રા'ની શરૂઆત કરી રહી છે. આ જન આશીર્વાદ યાત્રા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલટવાર કર્યો છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ જન આશીર્વાદ યાત્રાની વિગતો આપતા જણાવ્યું કે, કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થયેલા ગુજરાતના 5 મંત્રીઓ જન આશીર્વાદ યાત્રા નીકાળી લોકો પાસે જશે. અમે લોકો સમક્ષ જઈને તેમના પ્રશ્નો અને માંગણીઓનું નિરાકરણ કરીએ છીએ. અમારી સરકારના 5 વર્ષ પૂરા થવાની ઉજવણી પણ અમે લોકોની વચ્ચે જઈને કરી છે.

કોંગ્રેસ પર પલટવાર કરતાં નીતિન પટેલે જણાવ્યું કે, શ્રીનગરના લાલચોકમાં કોંગ્રેસના શાસનમાં કોઈ જઈ નહતું શકતું. કાલે ત્યાં પ્રથમ વખત ઉજવણી થઈ રહી છે. કોંગ્રેસ આમ પણ હતાશ અને ગભરાયેલી પાર્ટી છે. ભાજપના સારા કાર્યોમાં કોંગ્રેસ કાયમ વિધ્ન નાંખતી રહી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના નેતાઓએ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા અને મતદારોને રિઝવવા માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેની શરૂઆત આજથી 'જન આશીર્વાદ યાત્રા' નીકાળીને થઈ રહી છે. બીજી તરફ ભાજપની જન આશીર્વાદ યાત્રા પર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યાં છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, કોરોનામાં ભાજપ સરકારે લોકોને ભગવાન ભરોસે મૂક્યા હતા અને ચૂંટણી નજીક આવતા ભાજપના નેતાઓ ભગવાનના શરણે જાય છે. ભાજપ લોકો માટે નહીં, પરંતુ પોતાના માટે શાસન કરે છે. કોરોના કાળમાં સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા 100 વર્ષોમાં આવેલી આફતોમાં સૌથી ખરાબ સમય કોરોના કાળનો રહ્યો છે. જીવલેણ કોરોનાથી જેટલા લોકો માર્યા નથી, તેટલા સરકારના અણઘડ વહિવટથી મર્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution