જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં માણાવદર તાલુકામાં ઓઝત નદીના પાણી ફરી વળતા અનેક ગામોમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે. થોડા સમય પહેલા જ ઓઝત નદીમાં આવેલા પૂરના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ થયું હતું. ત્યારબાદ ફરી એકવાર ઓઝતના પાણી આ વિસ્તારમાં ફરી વળતા ખેતીના પાક અને જમીનને વ્યાપક નુકસાન થયાની ફરિયાદો ઉઠી છે. ઘેડ પંથકની હાલ સ્થિતિ એવી છે કે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જૂનાગઢના ઘેડ પંથકમાં માણાવદર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં નજર કરતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણી ફરી વળવાના કારણે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયાની ફરિયાદો ઉઠી છે. ઓઝત નદીના પાણીએ ખેડૂતોની સારા પાકની આશા પર પાણી ફેરવી દીધા છે. ગઈકાલે ગીરનાર પર્વત અને જૂનાગઢ જિલ્લામાં વરસેલ ભારે વરસાદના પગલે ડેમો ઓવરફ્લો થઈ છલકાતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જેમાં માણાવદર પંથકની ઓઝત નદી ગાંડીતૂર થઈને રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ઘેડ પંથક જ્યાં નજર પડે ત્યાં પાણી પાણી થઈ ગયું છે. ત્યારે હજુ થોડા સમય પહેલાં જ આ પંથકમાં ઘોડાપૂર આવતા હજારો એકર ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ થયું હતું. આજે ફરીવાર ઓઝત નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પંથકના પીપલાણા, આંબલીયા, કોયલાણા, મટીયાણા, બાલાગામ, બામણાસા પાદરડી સહિત ઘેડ પંથકને ધમરોળી નાખ્યું છે ત્યારે આ વિસ્તારમાં મુખ્યત્વે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.