સુરત-

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં ડ્રગ્સમાં બે અને ગાંજામાં એક આરોપીની ધરપકડ કરી 35 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે સુરત પોલીસ દ્વારા સખ્ત પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જાે કે હજુ પણ આ નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને યુવાધનને બરબાદ કરવા અનેક લોકો સક્રીય છે ત્યારે આવા જ નશાનો કારોબાર કરનાર ગુનેગારોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરતના સોદાઅગરવાડ ખાતે ઉસ્માનગની ઉર્ફે સલમાન ડોબીવાલા અને તેના પિતા ડ્રગ્સનો કારોબાર કરી રહ્યા છે, જે હકીકતના આધારે પોલીસે રેડ કરીને તેમના મકાનમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો.

આ ડ્રગ્સનો જથ્થો બંને પિતા-પુત્ર મુંબઇથી લાવતા હતા અને સુરતમાં યુવાધનને બરબાદ કરવા વેચાણ કરતા હતા જેમાં પોલીસે બંનેને પકડી પાડી તેમની પાસેથી 133 ગ્રામ, 13 લાખથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ મોબાઈલ, રોકડા રૂપિયા , લેપટોપ, સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને અબ્દુલ કાદર, અબ્દુલ ગની ડોબીવાલા અને તેના પુત્ર ઉસ્માનગની ઉર્ગે સલમાન ડોબીવાલાની ધરપકડ કરી હતી. સુરત પોલીસનું એક સૂત્ર છે ‘નશા મુક્ત સુરત’ જે સૂત્રને સાર્થક બનાવવા હેતુ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એકે રોડ ખાતે શ્રીજી કોમ્પ્લેક્સની પાછળ એક ઈસમ ચંદ્રસિંહ પ્રતાપસિંહ સિસોદીયા પોતાના હકમાં રાખેલ ટેમ્પોમાં નારિયેળના થેલાની આડમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખેલ હતો.

જે હકીકતના આધારે પોલીસે રેડ કરીને આરોપી પાસેથી 220 કિલો અને 22 લાખથી વધુની કિંમતના ગાંજાનો જથ્થો ઝડપી પાડી આરોપીની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અનેક જગ્યા પર નશાનો કારોબાર ચાલી રહ્યો છે અમુક તત્વો યુવાધનને બરબાદ કરવા ડ્રગ્સ અને ગાંજાનો કારોબાર ચલાવી રહ્યા છે, ત્યારે સુરત પોલીસે આ મામલે ગંભીરતા દાખવી બે અલગ અલગ ગુનામાં ત્રણ આરોપીને પકડી પાડી માદક દ્રવ્યો કબ્જે કર્યા હતા અને આ માદક દ્રવ્યો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે.