વિસ્ફોટક જીલેટીન સ્ટીકના કેસમાં માણાવદર પંથકના શખસની અટકાયત
11, નવેમ્બર 2021

જૂનાગઢ, જૂનાગઢના બીલખા રોડ પર આવેલી આઈ.જી.કચેરીની દિવાલ પાસે ફુલઝાડના ક્યારામાંથી ૨૬ વિસ્ફોટક જીલેટીન સ્ટીક મળી આવી હતી. આ સ્ટીક ભરેલી થેલી આઈ.જી.કચેરીના સ્ટાફના ધ્યાનમાં આવતા એફએસએલ અને એલસીબીને જાણ કરવામાં આવી હતી.   માણાવદર પંથકના કતકપરા ગામના શખસ સામે ગેરકાયદેસર વિસ્ફોટક સ્ટીક રાખવા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં બીલખા રોડ પર આવેલી ડી.આઈ.જી.પી. કચેરી પાસે ફુલઝાડના ક્યારામાંથી ગત તારીખ ૩૧ ના બપોરના સમયે એક કાળા કલરની થેલીમાં શંકાસ્પદ વસ્તુ પડી હોવાની જાણ થતા સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જે. રામાણીએ છ ડિવિઝન પોલીસ અને એલસીબીને જાણ કરી હતી. બાદમાં એફએસએલ અને બામ્બ ડિસ્પોઝીબલ સ્કવોડને બોલાવવામાં આવી હતી. આ થેલીમાં તપાસ કરતા તેમાંથી ૨૬ જેટલી વિસ્ફોટક જીલેટીન સ્ટીકો મળી આવી હતી. જેને લઈ ચકચાર મચી ગઈ હતી.

આ મામલે છ-ડીવીઝન, એલસીબી, એસઓજીના સ્ટાફે આસપાસના સીસીટીવીની તપાસ કરતા જીજે ૯ એન ૬૮૮૦ નંબરના બાઈક પર આવેલો એક શખસ બાલાભાઈ હમીરભાઈ પાસે રાખી જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બાઇક નંબરના આધારે તપાસ કરતા આ શખસ માણાવદર તાલુકાના કતકપરા ગામનો અનિલ ઉર્ફે લખન મોહન સોલંકી (ઉ.વ.૩૧ ) હોવાનું ખુલ્યું હતું. જે આજે મળી આવતા એલસીબીએ તેને હસ્તગત કરી તેનું બાઈક કબ્જે કર્યું હતું. તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પોતે કુવા ગાળવાનું કામ કરે છે અને આ કામ દરમિયાન આ વિસ્ફોટક જીલેટીન સ્ટીક ચોરી છુપીથી ગેરકાયદેસર રીતે મેળવી વેંચવા માટે લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. આ મામલે એલસીબીના પીઆઇ એચ.આઈ. ભાટીએ જણાવ્યું કે, અનિલ ઉર્ફે લખન કુવા ગાળવાનું કામ કરે છે. તેના માટે તેણે ગેરકાયદે રીતે આ જીલેટીન વિસ્ફોટક સ્ટીકો મેળવી હતી. તા.૩૦ ના તે સ્ટીક લઈ જૂનાગઢ આવ્યો તે સમયે પથરીનો દુઃખાવો ઉપડતા આઇજીપી કચેરી નજીક લારીવાળાને ત્યાં મૂકી બતાવવા અર્થે દવાખાને ગયો હતો. જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો હોવાથી તે પરત લેવા ન આવતા લારીધારકે આ સ્ટીક ફુલઝાડના ક્યારામાં રાખી બાજુમાં રહેલા લોકોને કોઈ થેલી લેવા આવે તો આ ક્યારામાં રાખી છે તેમ કહ્યું હતું. પરંતુ બીજા દિવસે આ થેલી આઇજીપી કચેરીના સ્ટાફના ધ્યાનમાં આવી ગઈ હતી. આ અંગે એલસીબીના પીઆઈ ભાટીએ કતકપરાના અનિલ ઉર્ફે લખન મોહન સોલંકી સામે ગેરકાયદેસર મેળવેલી ૨૬ વિસ્ફોટક સ્ટીકો જાેખમરૂપ હોવાનું જાણવા છતાં પોતાની પાસે રાખી અને બાલભાઈ હમીરભાઈ પાસે મૂકી ઈરાદાપૂર્વક બેદરકારી દાખવી હોવાની ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલો સ્પષ્ટ થઈ જતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution